(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
મુંબઈ અને સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો એકત્ર થયા બાદ દિલ્હીના મુખ્ય સચિવ વિજય દેવએ મંગળવારે પોલીસ અને જિલ્લા મેજિસ્ટ્રેટ્‌સને રાષ્ટ્રીય રાજધાનીમાં લોકો એક સ્થળે ભેગા નહીં થાય એ જોવા નિર્દેશ આપ્યો હતો.
એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ ફાટી નીકળવાના પગલે લાદવામાં આવેલા લોકડાઉનને કડક રીતે લાગુ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને વિભાગીય કમિશનરને પણ આદેશો જારી કરવામાં આવ્યા છે. માત્ર પોલીસ અને આરોગ્ય વિભાગ માટે મુકેલી બસો ચલાવવામાં આવશે અને બાકીની બસો બંધ કરવામાં આવી છે. મુખ્ય સચિવે તેમના આદેશમાં જણાવ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે, સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ, જોઈન્ટ સીપી, ડીએમ અને એસડીએમને પરિસ્થિતિ પર નજર રાખવા માટે સ્થળ પર હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસથી લાગુ લોકડાઉન ૩જી મે સુધી લંબાવવાની જાહેરાત કર્યાના કલાકો પછી મંગળવારે દૈનિક વેતન મેળવનારા આશરે ૧૦૦૦ સ્થળાંતર મજૂરો મુંબઈના બાંદ્રા સ્ટેશન વિસ્તારમાં એકઠા થયા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક વીડિયો સંદેશમાં રાજ્યના દૈનિક મજૂરોને અપીલ કરી છે કે, તેઓ તેમના વતનમાં જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવતી અફવાઓનો શિકાર ન બને. તેમણે તેમને ખાતરી આપી કે દિલ્હી સરકારે તેમના ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી છે.