(એજન્સી) તા.૧૨
નાગરિકતા સુધારા કાયદા વિરોધી દેખાવકારો દ્વારા દિલ્હીના રમખાણોને કરવામાં આવ્યા હોવાનું મોટું કાવતરૂં ગણાવતાં દિલ્હી પોલીસે હવે આ મામલે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્કસિસ્ટ) મહાસચિવ સીતારામ યેચુરી, જાણીતા અર્થશાસ્ત્રી જયતિ ઘોષ, દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર તથા પબ્લિક ઈન્ટેલેક્ચ્યુઅલ અપૂર્વાનંદ, સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવ તથા ડૉક્યુમેન્ટ્રી ફિલ્મમેકર રાહુલ રોય સહિત અનેક પ્રસિદ્ધ હસ્તીઓને દિલ્હી રમખાણોના કાવતરાંખોરો ગણાવીને તેમના નામ દિલ્હી રમખાણો સંબંધિત ચાર્જશીટમાં સામેલ કરી દીધા છે.
આ તમામ પ્રસિદ્ધ હસ્તીઓના નામ દિલ્હી પોલીસ દ્વારા એફઆઈઆર નંબર ૫૦/૨૦ પર આધારિત ચાર્જશીટમાં સાંકળવામાં આવ્યા હતા. આ એફઆઈઆર પિંજરા તોડ કાર્યકર દેવાંગના કલિતા તથા નતાશા નરવાલ જે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની વિદ્યાર્થીની છે તથા જામિયા મિલ્લિયા ઈસ્લામિયાની ગુલફિશા ફાતિમાના નામે નોંધવામાં આવી હતી. આ તમામ લોકોને જાફરાબાદ હિંસા માટે આરોપી બનાવાયા હતા. પોલીસે દાવો કર્યો હતો કે અહીંથી જ દિલ્હીમાં રમખાણો થવાની શરૂઆત થઇ હતી અને આખા ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફેલાયા હતા. મે મહિનાના અંતિમ અઠવાડિયામાં જ પિંજરા તોડ કાર્યકરો અને તેના સંસ્થાપક સભ્યો કલિતા તથા નરવાલની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ફાતિમાને જુલાઈના અંતે અટકાયતમાં લેવામાં આવી હતી. જોકે આ ત્રણેય વિરુદ્ધ અનલૉફૂલ એક્ટિવિટિઝ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ જુદી જુદી કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. ચાર્જશીટમાં દિલ્હીની પોલીસે દાવો કર્યો હતો કે કલિતા તથા નરવાલ બંનેએ સ્વીકાર્યુ હતું કે દિલ્હી રમખાણોમાં તેમની ભૂમિકા હતી અને સાથે જ તેઓએ જયતિ ઘોષ, અપૂર્વાનંદ, રોયને પોતાના મેન્ટોર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ લોકોએ જ અમને સીએએ વિરોધી દેખાવો કરવા માટે પ્રેરણા આપી હતી. તેઓએ એવું પણ કહ્યું કે કેટલાક સ્થાને તો આ લોકોએ દેખાવોમાં અમારૂં નેતૃત્વ પણ કર્યુ હતું. ડિસ્ક્લોઝર સ્ટેટમેન્ટ અનુસાર કલિતા અને નરવાલે કહ્યું છે કે ડિસેમ્બર મહિનામાં દરિયાગંજ ખાતે તથા ૨૨ ફેબ્રુઆરીના રોજ જાફરાબાદમાં ચક્કાજામ કરવા માટે તેમને ઘોષ, અપૂર્વાનંદ તથા રોય દ્વારા જ કહેવાયું હતું. જોકે ચાર્જશીટમાં અમુકજગ્યાએ કલિતા અને નરવાલે સહી કરવાનો ઈનકાર કરી દીધો હતો. ચાર્જશીટમાં કહેવાયું હતું કે આરોપી દેવાંગના કલિતાએ ખુલાસો કર્યો હતો કે નાગરિકતા સુધારા કાયદાને મંજૂરી આપી દીધાના ડિસેમ્બર મહિનામાં જયતિ ઘોષ, પ્રોફેસર અપૂર્વાનંદ, રાહુલ રોય દ્વારા અમને જણાવાયું કે અમારે સીએએ અને એનઆરસી વિરૂદ્ધ દેખાવો કરવા જોઈએ. અમને ઉમર ખાલિદ દ્વારા પણ સીએએ તથા એનઆરસી વિરૂદ્ધ દેખાવો કરવા માટે અમુક ટિપ્સ અપાઈ હતી. તેણે કહ્યું કે ઉમર ખાલિદની ટિપ્સના આધારે જ યુનાઈટેડ અગેન્સ્ટ હેટ ગ્રૂપ એન્ડ જેસીસી(જામિયા કોઓર્ડિનેશન કમિટી એન્ડ મેમ્બર ઓફ અવર પિંજરા તોડ )ના સભ્યોએ દિલ્હીના જુદા જુદા ભાગોમાં ૨૦ ડિસેમ્બરના રોજ દેખાવો કરવાની શરૂઆત કરી દીધી હતી. હું પણ દરિયાગંજ વિસ્તારમાં ચંદ્રશેખર રાવણ દ્વારા આયોજિત કરવામાં આવેલા દેખાવોમાં જોડાઈ હતી.
(સૌ. : ધ વાયર.ઈન)