(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૧
ઉત્તર-પૂર્વ દિલ્હીના ભજનપુરા પોલીસ સ્ટેશનમાં એક સગીરા સહિત ત્રણ મહિલાઓએ પોલીસ સામે ગંભીર આરોપો લગાવતાં જણાવ્યું હતું કે, તેમને આઠ ઓગસ્ટની રાત્રે પોલીસે માર માર્યો હતો અને શારીરિક રીતે શોષણ કર્યું હતું. બે દિવસ પહેલાં બનેલી ઘટના અંગે શાહીનખાન, શન્નો અને ૧૭ વર્ષીય પુત્રી સહિત દસ મહિલાઓ એફઆઈઆર નોંધાવવા ગઈ હતી ત્યારે આ બનાવ બન્યો હતો. અન્ય મહિલાઓ આ લોકોની પોલીસ સ્ટેશન સંકુલમાં રાહ જોઈ રહી હતી ત્યારે આ ત્રણ મહિલાઓ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવા ગઈ હતી. આ તમામ મહિલાઓ ગોન્ડાના સુભાષ મહોલ્લાની રહેવાસી છે. આ ઉત્તર-પૂર્વ દિલ્હીનો એ વિસ્તાર છે જે ગત ફેબ્રુઆરીમાં મુસ્લિમ વિરોધી રમખાણોનો સાક્ષી બન્યો હતો.
એક સામયિકને આપેલા ઈન્ટરવ્યૂમાં આ મહિલાઓએ જણાવ્યું હતું કે, પોલીસ માત્ર એફઆઈઆર નોંધવાનો ઈન્કાર જ નહતો કર્યો પણ તેમણે તેમની પર હુમલો પણ કર્યો હતો. આ મહિલાઓએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે, પોલીસે તેમનું શારીરિક શોષણ પણ કર્યું હતું. ભજનપુર પોલીસ સ્ટેશનના અધિકારી અશોક શર્માએ આ મહિલાઓને જણાવ્યું હતું કે, તપાસ બાદ જ ફરિયાદ નોંધાશે. અશોક શર્માએ મહિલાઓએ લગાવેલા ગેરવર્તન અને શારીરિક છેડતીના આરોપોને નકારી કાઢ્યાં હતાં. અલબત્ત પીડિત મહિલાઓએ જણાવ્યું હતું કે, પોલીસ અધિકારી આ ઘટના પર પડદો પાડી કસૂરવાર પોલીસ કર્મચારીઓનેે બચાવવા માંગે છે.શાહીનખાને જણાવ્યું હતું કે, પોલીસે તેના અને શન્નોના કપડાં ફાડી નાંખ્યા હતા અને સગીરાની શારીરિક છેડતી કરી હતી. મારી પુત્રીના વાળ ખેંચી તેને પોલીસ સ્ટેશનના અંધારિયા ખૂણામાં લઈ જવામાં આવી હતી અને તેના શરીર પર જ્યાં ત્યાં હાથ લગાવવામાં આવ્યા હતા. સગીરાએ જણાવ્યું હતું કે, પોલીસે તેની શારીરિક છેડતી કરી હતી જેને તે શબ્દોમાં જણાવી શકતી નથી. અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન સમયે આ મુસ્લિમ મહિલાઓના હિન્દુ પાડોશી દ્વારા તેમની સામે અપશબ્દો બોલવામાં આવ્યાનો અને તેમને વિસ્તાર છોડી જવા ધમકી આપ્યાનો બનાવ બનતાં મહિલાઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ હોવાનું શન્નોેના પતિ સલીમે જણાવ્યું હતું.