(એજન્સી) ગુરૂગ્રામ, તા. ૨૨
પાટનગર દિલ્હીમાં સત્તાપક્ષ આમ આદમી પાર્ટીના ૨૦ ધારાસભ્યોના સભ્યપદ રદ્‌ થયા બાદ હવે ભાજપ શાસિત હરિયાણામાં ચાર ભાજપી ધારાસભ્યોના સભ્યપદ સવાલોના ઘેરામાં આવ્યા છે. અહેવાલો અનુસાર જગમોહન ભટ્ટી નામના એક વકીલે પંજાબ તાથા હરિયાણા હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં ભાજપના ધારાસભ્ય કમલ ગુપ્તા, બખ્શીશસિંહ વિર્ક,સીમા ત્રિખા અને શ્યાન સિંહ રાણાના સભ્યપદ રદ કરવાની માગ કરી છે. અહેવાલો અનુસાર ચારેય ધારાસભ્યો આ પહેલા મુખ્ય સંસદીય સચિવ રહી ચૂક્યા છે.પાંચમી જુલાઇ ૨૦૧૭ના રોજ હાઇકોર્ટના આદેશ બાદ આ ચારેયને સંસદીય સચિવના પદ છોડવા પડ્યા હતા. બીજી તરફ અરજકર્તા વકીલ જગમોહન ભટ્ટી અનુસાર જે રીતે દિલ્હીમાંઆપના ધારાસભ્યોનું સભ્યપદ રદ કરાયું છે તે જ રીતે ભાજપના આ ચાર ધારાસભ્યોનું સભ્યપદ પણ રદ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, લાભના પદ મામલે આપના ૨૦ ધારાસભ્યોના સભ્યપદ રદ કરાયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે ચૂંટણી પંચની ભલામણને મંજૂરી આપી દીધી હતી. ચૂંટણી પંચે શુક્રવારે લાભના પદ મામલે આ તમામ ધારાસભ્યોના સભ્યપદ રદ કરવાની માગ કરી હતી. આ તમામ ધારાસભ્યો ૧૩ માર્ચ ૨૦૧૫થી ૮ સપ્ટેમ્બર ૨૦૧૬ સુધી સંસદીય સચિવ પદે રહ્યા હતા જેને લાભનું પદ માનવામાં આવ્યંુ હતું. જોકે, આ નિર્ણયને કારણે કેજરીવાલ સરકાર પર કોઇ સંકટ નથી. વિધિ મંત્રાલય દ્વારા બહાર પડાયેલી અધિસૂચનામાં રાષ્ટ્રપતિને ટાંકતા કહેવામાં આવ્યું છે કે, ચૂંટણી પંચની ભલામણ પર દિલ્હી વિધાનસભાના ૨૦ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે.