(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલી મસ્જિદ ખાતે ધાર્મિક કાર્યક્રમ માટે લોકો એકઠા થયા બાદ દિલ્હીમાં વધુ ૨૪ કોરોના વાયરસના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા જેની સાથે સંકળાયેલા સાત લોકોનાં મોત દેશના વિવિધ સ્થળો પર થયા છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી દિલ્હીના નિઝામુદ્દીન ખાતે આવેલા તબ્લીગી જમાતના મુખ્યમથકે આશરે ૨,૦૦૦ લોકો આવ્યા હતા. આમાંથી વાયરસના સંભવિત સંક્રમિત ૩૦૦થી વધુ લોકોને હોસ્પિટલોમાં લઇ જવાયા છે. મંગળવારે સવારે જ નિઝામુદ્દીન ખાતેના મરકઝને સીલ કરી દેવાયું અને ૭૦૦ જેટલા લોકોને બહાર કાઢીને શહેરની વિવિધ હોસ્પિટલોમાં ક્વોરન્ટાઇન કરાયા છે. પોલીસે મસ્જિદ વહીતંત્ર સામે ફરિયાદ દાખલ કરી છે. હવે કેટલાક રાજ્યો એ વાતની ખાતરી કરી રહ્યા છે કે, તેમના રાજ્યમાંથી મરકઝમાં આવેલા લોકો કોને મળ્યા છે અને તેમને મળેલા લોકો કેટલા લોકોને મળ્યા છે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, અત્યારસુધી અહીં રહેતા ૨૪ લોકોમાં કોરોના વાયરસનો ચેપ જોવા મળ્યો છે. આ બેઠક યોજીને આયોજકોએ મોટો અપરાધ કર્યો છે અમે ઉપરાજ્યપાલને આ માટે આકરા પગલાં લેવા સૂચન કર્યું છે.
૨. વાયરસની સૌથી વધુ સંક્રમિત થવાની જગ્યા તરીકે ઓળખાયેલી આ બેઠકોને પકડી પાડવા કેન્દ્રીય ગૃહ મત્રાલયે ટોચની પ્રાથમિકતા આપી છે. ઉપસી રહેલી સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહની નજર હોવાની ટોચના સૂત્રોએ સ્પષ્ટતા કરી છે.
૩. સોશિયલ ડિસ્ટન્સીંગની અવગણના કરીને જીવલેણ વાયરસને આમંત્રણ આપવા માટે તબ્લીગ જમાતે ૮થી ૧૦ માર્ચ દરમિયાન ૧૦૦ વર્ષ જુની મસ્જિદ પરિસર બિલ્ડિંગમાં બેઠક યોજી હતી. જેમાં ૨૮૦ લોકો વિદેશથી આવ્યા હતા.
૪. હવે એવા લોકોને શોધવામાં આવી રહ્યા છે જેઓ અહીંથી તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર અને અંદામાન પહોંચી ગયા છે. આમાંથી છ લોકો તેલંગાણામાં અને એક વ્યક્ત્તિ શ્રીનગરમાં મૃત્યુ પામી છે. અંદામાન અને નિકોબારમાં પરત ફરેલા ૧૦ વધુ લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ બેઠકમાં અહીં ૧૦૦થી વધુ લોકો ભેગા થયા હતા અને તેમને શોધવામાં મોટી શોધખોળ હાથ ધરાઇ છે.
૫. શ્રીનગરના એક મૌલવીએ ગયા અઠવાડિયે ઉત્તરપ્રદેશના દેવબંદ મદ્રેસાની મુલાકાત લીધા બાદ શ્રીનગર પહોંચીને તેઓ મૃત્યુ પામ્યા હતા. શ્રીનગરમાં પણ તેમણે અનેક સભાઓ કરી હતી.
૬. તબ્લીગી જમાત ઇસ્લામિક ધર્મપ્રચારની ચળવળ છે જે ભારતમાં ૧૯૩૬માં સ્થપાઇ હતી હવે તેના સમગ્ર વિશ્વમાં કરોડો સભ્યો છે. આ સભા ખાસ કરીને ઉપદેશો માટે રખાઇ હતી જેમાં મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, નેપાળ, મ્યાનમાર, કિર્ગિસ્તાન અને સઉદી અરબના સભ્યોએ ભાગ લીધો હતો. ઉપરાંત અફઘાનિસ્તાન, અલ્જિરિયા, જિબૌતી, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, ફીજી, ફ્રાન્સ અને કુવૈતમાંથી પણ સભ્યો અહીં આવ્યા હતા.
૭. પ્રવાસી વિઝા પર આવેલા ૩૦૦ વિદેશીઓએ પણ ગેરકાયદે રીતે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેથી તેઓ બ્લેકલિસ્ટનો સામનો કરી રહ્યા છે.
૮. તબ્લીગી સભ્યોએ પોલીસને આ લોકો અંગે ૨૪મી માર્ચે જાણ કરી હતી. આ સમયે મસ્જિદ પરિસરમાં આશરે ૧,૨૦૦ લોકો હતા. બીજા દિવસે પોલીસ દ્વારા આ લોકોને એરપોર્ટ લઇ જવાયા હતા. પરંતુ વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રીય લોકડાઉન કરી દેવાતા મસ્જિદમાં ફરીવાર લોકો ભેગા થવાનું શરૂ થયું. તે સમયે પોલીસે આશરે ૨,૦૦૦ લોકોને જોયા હતા.
૯. નિઝામુદ્દીનના મરકઝે પોતાના નિવેદનમાં પોતાનો બચાવ કરતા કહ્યું કે, ૨૨મી માર્ચે વડાપ્રધાન મોદીએ જનતા કર્ફયુ લાદ્યો ત્યારે આ કાર્યક્રમ રદ કરાયો હતો. નિવેદનમાં જણાવાયું કે, ટ્રેનો અચાનક બંધ થઇ જવાથી સભ્યો બહાર જઇ ના શક્યા. પહેલા દિલ્હી સરકાર અનએ બાદમાં વડાપ્રધાન દ્વારા લોકડાઉનની જાહેરાત કરી દેવાતા મરકઝમાં મુલાકાતીઓ ફસાઇ ગયા હતા. જોકે, સત્તાવાળાઓએ એવી દલીલ કરી છે કે, લોકડાઉનના કેટલાક દિવસ પહેલા જ દિલ્હી સરકારે તમામ સભા, ધાર્મિક અથવા સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક કાર્યક્રમો નહીં કરવા તાકીદ કરી હતી.
૧૦. આ પ્રકારની તબ્લીગી જમાતની સભા ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન મલેશિયા તથા પાકિસ્તાનમાં થઇ હતી અને ત્યાંથી વાયરસ ફેલાવાની ભીતિ વ્યક્ત કરાઇ હતી.

તબ્લીગી જમાત મરકઝે અટવાયેલા લોકોને મોકલવા એક સપ્તાહ
પહેલા એસડીએમ પાસે વાહનના પાસ માગ્યા હતા, કોઇ જવાબ ન મળ્યો

(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોવા છતાં દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલા તબ્લીગી જમાતના મુખ્યમથક મસ્જિદ બંગલેવાલીમાં સભા યોજવા બદલ મસ્જિદના મૌલાના સામે એફઆઇઆર નોંધવાનો ૩૦મી માર્ચે સોમવારે રાત્રે દિલ્હી સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો ત્યારે મસ્જિદના મૌલાના દ્વારા હવે જણાવવામાં આવ્યું છે કે મસ્જિદમાં અટવાઇ ગયેલા લોકોને તેમના સંબંધિત સ્થળોએ મોકલવા માટે સ્થાનિક પોલીસ મથક અને એસડીએમ પાસે એક સપ્તાહ પહેલા મદદ માગવામાં આવી હતી. સ્થાનિક પોલીસ મથક અને એસડીએમને પત્ર પાઠવીને વાહન માટે પાસ આપવાની માગણી કરાઇ હતી પરંતુ સ્થાનિક પોલીસ મથક અને એસડીએમ પાસેથી વાહન માટે પાસ આપવામાં આવ્યા ન હતા. હવે સમુદાયના નેતાઓએ પણ તબ્લીગ જમાતના મરકઝના મૌલાનાની વિનંતી પ્રત્યે ધ્યાન નહીં આપવા બદલ સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે. મસ્જિદની બાજુમાં આવેલા નિઝામુદ્દીન પોલીસ મથકના એસએચઓને ૨૫મી માર્ચે મસ્જિદ બંગલાવાળીના મૌલાના યુસુફ દ્વારા એક પત્ર પાઠવવામાં આવ્યો હતો. પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ૨૩મી માર્ચે મસ્જિદમાંથી ૧૫૦૦ લોકોને તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા છે અને મરકઝમાં દેશના વિભિન્ન રાજ્યોના અટવાયેલા અન્ય ૧૦૦૦ લોકોને તેમના વતન મોકલવા માટે એસડીએમ પાસે પાસની માગણી કરવામાં આવી હતી. ૧૭ ગાડીઓ માટે કરફ્યુ પાસની માગણી કરાઇ હતી. ૨૪મી માર્ચે પોલીસ મથક દ્વારા આપવામાં આવેલી નોટિસના જવાબમાં આ પત્ર પોલીસ મથકને પાઠવવામાં આવ્યો હતો. દિલ્હી સરકાર મસ્જિદના મૌલાના સામે એફઆઇઆર નોંધવાનો આદેશ આપે તે પહેલા ૨૯મી માર્ચે મૌલાનાએ વિસ્તારના એસીપીને બે પાનાનો પત્ર પાઠવ્યો હતો. આ પત્રમાં મૌલાનાએ મસ્જિદમાં છેલ્લા એક સપ્તાહમાં યોજાયેલી ઇવેન્ટ્‌સના ઘટનાક્રમ અને સત્તાવાળાઓ સાથેના તેમના કોમ્યુનિકેશનની વિગતો આપવામાં આવી છે. પત્રમાં તેમણે એવું પણ જણાવ્યું છે કે લોકડાઉનની જાહેરાત થયા બાદ મરકઝના દરવાજા તાકીદે બંધ કરી દેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ મરકઝ કે મસ્જિદમાં બહારની કોઇ વ્યક્તિએ અંદર પ્રવેશ કર્યો નથી કે કોઇને પ્રવેશ કરવા દેવામાં આવ્યો નથી.

વિઝા નિયમ ભંગ બદલ
નિઝામુદ્દીન કાર્યક્રમમાં સામેલ ૩૦૦ વિદેશીઓને બ્લેકલિસ્ટ કરાયા

દિલ્હીના નિઝામુદ્દીન ખાતે જમાતના મરકઝ પર આવેલા મલેશિયા તથા થાઇલેન્ડ સહિતના વિદેશીઓ પ્રવાસી વિઝા પર આવ્યા હોવાથી ભારત આ લોકોને બ્લેકલિસ્ટ કર્યા છે. આ વિદેશીઓ માર્ચ મહિનાની શરૂઆતમાં દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલા જમાતે ઇસ્લામીના મરકઝ ખાતે આવેલા ૮,૦૦૦ લોકોમાં સામેલ હતા. આમાંથી ઘણા લોકોમાં કોરોના વાયરસના લક્ષણ મળી આવ્યા હતા તેમ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી રહેલા લોકોમાં ચેપ લાગતા આમાંથી ૩૦ લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે, વિદેશથી આવેલા લોકોએ અહીં રોકાઇને અમારા વિઝા નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાથી તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. આવા લોકો હવે ભવિષ્યમાં ભારતનો પ્રવાસ કરી શકશે નહીં.

વાહનો માટે પાસ ના અપાતા લોકડાઉનને પગલે નિઝામુદ્દીન મરકઝ ખાતે ૧૦૦૦ લોકો અટવાયા

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
દિલ્હીના હઝરત નિઝામુદ્દીન વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું કે દેશવ્યાપી લોકડાઉન જાહેર થયા બાદ સંબંધિત સત્તાવાળાઓ દ્વારા લોકો માટે વાહનના પાસ જારી નહીં કરવામાં આવતા આશરે ૧૦૦૦ લોકો મરકઝ ખાતે અટવાઇ ગયા હતા. ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેનારા ઘણા લોકોમાં કોરોના વાયરસના ચિહ્મો જણાયા વિશે સત્તાવાળાઓ દ્વારા એલર્ટ કરવામાં આવ્યા બાદ સોમવારે નિઝામુદ્દીન વિસ્તાર પોલીસ અને અર્ધ-લશ્કરી દળો દ્વારા ઘેરી લેવામાં આવ્યો હતો. આશરે ૮૬૦ લોકોને ખસેડવામાં આવ્યા છે અને મંગળવાર સવાર સુધીમાં ક્વોરન્ટાઇનમાં મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે ૩૦૦ને ખસેડવાની પ્રક્રિયા ચાલુ છે. હઝરત નિઝામુદ્દીનના એસએચઓ દ્વારા મરકઝ બંધ કરવાની ૨૪મી માર્ચે આપવામાં આવેલી નોટિસનો એ જ દિવસે જવાબ આપી દેવામાં આવ્યો હતો. મરકઝે જણાવ્યું કે મરકઝ ખાતે અટવાઇ ગયેલા ૧૦૦૦ લોકોને દિલ્હી બહાર આવેલા તેમના વતન પહોંચાડવા માટે સંબંધિત એસડીએમને વાહનો માટે પાસ જારી કરવાની લેખિતમાં વિનંતી કરવામાં આવી હતી. ૧૭ ગાડીઓની યાદી પણ એસડીએમને આપવામાં આવી હતી. આ યાદીમાં ગાડીઓના રજીસ્ટર્ડ નંબરની સાથે ડ્રાઇવરોના નામ અને તેમના લાયસન્સની વિગતો પણ આપવામાં આવી હતી.