(એજન્સી) નવી દિલ્હી,તા.૬
કોરોના વાયરસનો કહેર આખા વિશ્વમાં યથાવત છે. ત્યારે શુક્રવારે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)ના ૨૦ કર્મચારીઓનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેટ્રો મેનેજમેન્ટના એક અધિકારીએ પોતાના નિવેદનમાં આ બાબતની પુષ્ટિ કરી છે. દિલ્હી મેટ્રોએ તકેદારીના ભાગરૂપે કોરોના વાયરસથી આંશિક રૂપે પ્રભાવિત થયેલાં કર્મચારીઓને તેઓ સ્વસ્થ થાય ત્યાં સુધી ફરજ પરથી હટાવી દીધાં છે. આ સિવાય અધિકારીઓએ જણાવ્યું છે કે, તેઓ દ્વારા વાયરસના સંક્રમણને રોકવા માટે તકેદારીના તમામ પગલા ભરવામાં આવ્યા છે. આ બાબતે મેટ્રો મેનેજમેન્ટ પહેલાથી જ એલર્ટ છે. મેટ્રોએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, મેટ્રો મેનેજમેન્ટ પોતાના કર્મચારીઓના સુખ-દુખમાં તેમની સાથે જ છે. મેટ્રોએ દિલ્હી-દ્ગઝ્રઇના લોકોને આ વાતનો વિશ્વાસ પણ અપાવ્યો છે કે, સરકારની મંજૂરી મળતા જ મેટ્રોની સેવા પુનઃ શરૂ કરવા માટે અમે તૈયાર છીએ. દિલ્હી મેટ્રોના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, મેટ્રો સેવા બંધ હોવા છતાં કેટલાક કર્મચારીઓ ૧૮ મેથી મેટ્રોનું કેટલુંક કામકાજ કરવા માટે ફરજ પર આવી રહ્યાં હતા. આ સેવા લૉકડાઉનના ચોથા તબક્કામાં શરૂ કરવામાં આવી હતી. આ તબક્કામાં ટ્રાન્સપોર્ટના કેટલાક સાધનોને દિલ્હી-એનસીઆરમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. DMRCએ સ્પષ્ટ કર્યુ છે કે, સંક્રમિત કર્મચારીઓમાંથી કોઈની હાલત ગંભીર નથી અને તેમાંથી મોટાભાગના કર્મચારીઓ સ્વસ્થ પણ થઈ ગયા છે.