(એજન્સી) તા.૧૨
૯, સપ્ટે. દેશભરના વિદ્યાર્થીઓ ફેકલ્ટી ઓફ લોમાં પ્રવેશ મેળવવા માટેની દિલ્હી યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષામાં બેઠા હતાં. સાંજ સુધીમાં વોટ્‌સએપ પર પ્રશ્નોના સ્નેપ શોટ ફરતાં થઇ ગયાં હતાં. કેટલાક વિદ્યાર્થીઓના જણાવ્યાં અનુસાર પરીક્ષા બાદ દિલ્હી યુનિવર્સિટી ક્યારેય પ્રશ્નો રિલીઝ કરતી નથી. એટલે સુધી કે પરીક્ષા હોલની બહાર રફ પેપર્સ પણ કલેક્ટ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ આ પેપર લીક થવાથી બેચેન છે અને તેમને એવી ચિંતા છે કે તેના કારણે તેમની ફાઇનલ કટઓફ લિસ્ટ પ્રભાવિત થશે અને જેઓ અગાઉથી જવાબો જાણતાં હતાં એવા વિદ્યાર્થીઓને અયોગ્ય લાભ મળી જશે. કાયદાની પ્રવેશ પરીક્ષા માટે અરજી કરતાં ઉમેદવારોને વિનામૂલ્યે કોચિંગ આપતાં કેમ્પસ લો સેન્ટર ખાતેના બીજા વર્ષના વિદ્યાર્થી વિવેક રાજે જણાવ્યું હતું કે મને એવું કહેવામાં આવ્યું હતું કે કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષાના દિવસે જ સવારે ૬.૪૦ કલાકે જવાબ મળી ગયાં હતાં અને તે જ દિવસે મને કોઇના તરફથી ફોન આવ્યો હતો કે જેમણે જવાબના બદલામાં લાંચની ઓફર કરી હતી. ત્યાર બાદ અસંખ્ય વિદ્યાર્થીઓ લીક થયેલ પેપર સાથે તેમને મળ્યાં હતાં. આ ઘટના બાદ વિવેક રાજ ગઇ કાલે આ પરીક્ષા લેતી નેશનલ ટેસ્ટ એજન્સી સામે એફઆઇઆર દાખલ કરાવવા મૌરીસનગર પોલીસ સ્ટેશન ગયાં હતાં પરંતુ પોલીસે તેમની એફઆઇઆર નોંધી ન હતી. આથી તેમણે ફરિયાદ દાખલ કરી હતી. વિવેક રાજે ફેકલ્ટી ઓફ લોના ડીન અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ઇમેઇલ મોકલીને આ મામલામાં તપાસ કરવા વિનંતી કરી છે. જો કે હજુ સુધી કોઇના તરફથી તેને જવાબ મળ્યો નથી. વિવેક રાજે જણાવ્યું હતું કે બુધવારે સવારે ૮થી ૧૦ દરમિયાન આ પ્રવેશ પરીક્ષા યોજવામાં આવી હતી અને તેમાં મોબાઇલ લઇ જવા પર મનાઇ હતી. આ સંજોગોમાં સમગ્ર પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા પર કઇ રીતે આવી ગયું. જ્યારે મોબાઇલ લઇ જવાની જ મનાઇ હતી તો ચાર સવાલના સ્નેપ શોટ ક્યાંથી આવી ગયાં. મને શક છે કેે પ્રશ્નપત્ર લીક થયું છે.