(એજન્સી) નવી દિલ્હી,તા.૮
ઉત્તર પૂર્વ દિલ્હી રમખાણો સંદર્ભે દાખલ થયેલ ચાર્જશીટમાં જણાવેલ રક્ષણ હેઠળના સાક્ષીઓની યાદી આકસ્મિક રીતે આરોપીઓ પાસે પહોંચી ગઈ હતી. દિલ્હી પોલીસના વધારાના પ્રવક્તા અનિલ મિત્તલે જણાવ્યું હતું. સપ્ટેમ્બર મહિનામાં ૧૭૦૦૦ પાનાં ધરાવતી ચાર્જશીટ ફરિયાદ પક્ષે પોતાનો કેસ મજબુત કરવા દાખલ કરી હતી. એ પુરવાર કરવા માંગે છે કે દિલ્હીમાં થયેલ રમખાણો ષડ્યંત્રનો એક ભાગ હતો. સાક્ષીઓની ઓળખ છુપાવવા એમને સાંકેતિક નામો જેમ કે બીટા, ઓમેગા, ચાર્લી અને બ્રેવો જેવા નામો આપવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન અનિવાર્ય હતું કે અમુક સાક્ષીઓની ઓળખ જાહેરમાં છતી કરવી ન જોઈએ. જોકે કોર્ટ સાથે સંબંધ ધરાવતા એક દસ્તાવેજમાં અમુક સાક્ષીઓની ઓળખ જણાવેલ હતી. અને ચાર્જશીટમાં પણ એ નામો જણાવેલ હતા. કાયદા મુજબ આરોપીઓને ચાર્જશીટની નકલ આપવાની હોય છે. જેથી એમની પાસે સાક્ષીઓના નામો પણ પહોંચી ગયા હતા, એમ મિત્તલે જણાવ્યું હતું. એમણે વધુમાં જણાવ્યું કે આ સાક્ષીઓની સુરક્ષા અને સલામતીના પૂરતાં પગલાં લેવામાં આવી રહ્યાં છે અને આ બાબત જે પણ મુદ્દાઓ છે એ તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.