(એજન્સી) તા.૪
દિલ્હીમાં થયેલા કોમી રમખાણો આધારિત પુસ્તકના લેખકે એવો આક્ષેપ મૂકતી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે આ પુસ્તકના પ્રકાશકે પુસ્તકની પીડીએફ કોપી લીક કરી દીધી હતી. ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ લેખકે પ્રકાશક ઉપર છેતરપિંડી, ખોટી રીતે રજૂઆત કરવાના અને ગેરમાર્ગે દોરવાનો પણ આક્ષેપ મૂક્યો હતો.
દિલ્હી રાયટ-૨૦૨૦-અનટોલ્ડ સ્ટોરી શીર્ષક ધરાવતા આ પુસ્તકનું પ્રકાશન વાસ્તવમાં બ્લુમ્સબરી કંપની કરવાની હતી પરંતુ તેણે પુસ્તકનું પ્રકાશન નહી કરવાનો નિર્ણય લેતાં લેખકને તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવાની ફરજ પડી હતી. અસલમાં બ્લુમ્સબરી કંપનીએ આ પુસ્તકના પ્રકાશન માટે પુસ્તક વિમોચન કાર્યક્રમ પણ રાખ્યો હતો જેમાં ભાજપના નેતા કપિલ મિશ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ તેના આ કાર્યક્રમ બદલ સંખ્યાબંધ લોકોનો તેની સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. જેના પગલે કંપનીએ પુસ્તકનું પ્રકાશન કરવાનું કાર્ય રદ કરી દીધું હતું.
૧૯૦ પાનાંના આ પુસ્તકમાં એવો દાવો કરાયો હતો કે દિલ્હીના કોમી રમખાણોની આખી યોજના જેહાદી અને શહેરી નક્સલવાદી લોકોએ તૈયાર કરી હતી અને તેઓ આઇએસઆઇએસ સાથે પણ સંપર્કો ધરાવતા હતા. લેખકે પોતાની પોલીસ ફરિયાદમાં કેટલીક ન્યૂઝ ચેનલો, પત્રકારો અને અન્ય કેટલાંક લોકો સામે પણ પગલાં લેવાની માંગ કરી હતી. આરંભથી જ જેની સામે પ્રશ્નાર્થ ખડો કરાયો છે તે પુસ્તક દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર સોનાલી ચિતલકર અને પ્રેરણા મલ્હોત્રા ઉપરાંત એડવોકેટ મોનિકા અરોરાએ સંયુક્ત રીતે લખ્યું હતું. એડવોકેટ અરોરાએ કેટલાંક મીડિયા હાઉસ, લેખક વિલિયમ ડેલરિમ્પલ, મીના કન્ડાસામી, આતિસ તાસીર અને પત્રકાર સાકેત ગોખલે તથા આરફા ખાનુમ શેરવાની વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અરોરાએ તેઓ વિરુદ્ધ એવો આરોપ મૂક્યો હતો કે આ લોકો ગુનાઇત ઉશ્કેરણી કરવા ઉપરાંત સમાજ વિવિધ સમુદાયો વચ્ચે દુશ્મનાવટ પેદા થાય એવા ભડકાઉ નિવેદનો આપ્યા હતા. મોનિકાએ કહ્યું હતું કે તેઓએ દિલ્હીના પોલીસ કમિશ્નર એસએન શ્રીવાસ્તવની સાથે મીટિંગ યોજ્યા બાદ આ ફરિયાદ નોંધાવી હતી.
આ પુસ્તક અંગે જે કાંઇ થઇ રહ્યું હતું તેની અમે પોલીસ કમિશનરને જાણ કરી હતી એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે જે કાંઇ થયું તે ઘણું સારું થયું કેમ કે તેનાથી લોકોના મનમાં એવી જે આશંકા હતી કે આ લોકો કોઇ સ્વતંત્ર લેખકો નહીં પરંતુ દિલ્હીના કોમી રમખાણોમાં ભૂમિકા ભજવનારા ભાજપના નેતાઓની છાપ સુધારવા માટે સરકાર દ્વારા રચાયેલી સિન્ડિકેટના સભ્યો હતા, તે છાપ ભૂંસાઇ જશે.