(એજન્સી) નવી દિલ્હી, તા.૨
દિલ્હી પોલીસે મંગળવારે આ વર્ષે ફેબ્રુઆરીમાં ઉત્તર-પૂર્વ દિલ્હીના ચાંદ બાગ વિસ્તારમાં થયેલી હિંસા મામલે કરકરડુમા કોર્ટમાં આપના બરતરફ કરાયેલ કાઉન્સિલર તાહિર હુસેન અને અન્ય ૧૪ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી.
૧,૦૩૦ પાનાની ચાર્જશીટ મુજબ હુસેન કથિત મુખ્ય સૂત્રધાર હતો જેણે આ હિંસાનું આ વિસ્તારમાં આયોજન કર્યું હતું. જેના માટે તેણે લગભગ ૧.૩૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ મામલે તાહિર હુસેનના ભાઈ અને અન્ય ૧૫ લોકો પણ આરોપી તરીકે દર્શાયા છે.
કોર્ટ સમક્ષ રજૂ કરાયેલ ચાર્જશીટમાં જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી તાહિર હુસેન દ્વારા કરવામાં આવેલા વિશાળ પાયે રમખાણોના ષડયંત્રને નિર્દેશ કરતા કેટલાક તથ્યો તપાસમાં સામે આવ્યા છે. કોર્ટ દ્વારા ચાર્જશીટ ૧૬ જૂને વિચારણા માટે લેવામાં આવશે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, હુસેન ઉમર ખાલિદ અને ખાલિદ સૈફી અને અન્યો સાથે પણ મળ્યો હતો જેઓએ હિંસા પહેલા સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)ના વિરોધમાં ભાગ લીધું હતું. આ બેઠકનો હેતુ હજી જાણી શકાયો નથી.
ચાર્જશીટમાં પોલીસે જણાવ્યું છે કે, હુસેને હિંસામાં તેની સંડોવણીની કબૂલાત કરી હતી અને એ પણ સ્વીકાર્યું હતું કે, તે ઘટના સમયે તે ઘરના ધાબા પર હાજર હતો. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે ચાર્જશીટમાં ૭૫ સાક્ષીઓની યાદી આપી છે. તાહિર હુસેનના ઘરના ધાબા પર મળેલા પેટ્રોલ બોમ્બનો સ્રોત હજુ સુધી શોધી શકાયો નથી, ચાર્જશીટમાં કહ્યું હતું કે, તેમની પાસે ૧૦૦ જીવંત દારૂગોળા હતા, જેમાંથી ૬૪ દારૂગોળા અને ૨૨ શેલ મળી આવ્યા છે. હુસેને જવાબ આપ્યો નથી કે ૨૨ શેલો ક્યાં વાપરવામાં આવ્યા હતા અથવા ૧૪ અન્ય દારૂગોળા ક્યાં છે. તે ઉપરાંત ગુલફામ નામના હુસેનના સંબંધીએ ૩૧ જાન્યુઆરીએ ૧૦૦ જીવંત દારૂગોળો ખરીદ્યો હતો, જેમાંથી માત્ર સાતને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે કહ્યું કે, તે સ્પષ્ટ છે કે હિંસા દરમિયાન ગોળીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં, સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નું સમર્થન કરનારાઓ અને વિરોધ કરતા જૂથો વચ્ચે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ઘર્ષણ શરૂ થયું હતું, જેના પગલે ઓછામાં ઓછા ૫૩ લોકોના મોત નીપજ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ૭૦૦થી વધુ એફઆઈઆર નોંધાઈ છે અને આ મામલાની તપાસ કરનારી એસઆઈટીએ કેસોના મામલે બરતરફ કરાયેલ આપના કાઉન્સિલર તાહિર હુસેન સહિત ૨૫૦૦થી વધુ લોકોને ધરપકડ કરી તેમની અટકાયત કરી છે.