(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ, સીપીઆઈના ડી રાજા, સીપીએમના સીતારામ યેચૂરી, ડીએમકેના કનિમોઝી અને રાજદના મનોજ ઝા દિલ્હી રમખાણોમાં ચાલી રહેલી પોલીસ તપાસ મુદ્દે પોતાની ચિંતાઓ દર્શાવવા માટે ગુરૂવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે પહોંચી ગયા હતા. આ તમામ વરિષ્ઠ નેતાઓએ રાષ્ટ્રપતિને એક આવેદનપત્ર આપીને દિલ્હી પોલીસ દ્વારા હાલ જે તપાસ ચાલી રહી છે તે વિશ્વાસપાત્ર નથી તેથી દિલ્હી રમખાણોની તપાસ કોઈ સીટિંગ અથવા નિવૃત્ત જજની અધ્યક્ષતાવાળી પેનલ કરે તેવા આદેશ આપવાની માગણી પણ કરી હતી.
આવેદનપત્રમાં નેતાઓએ કહ્યું કે, ઉત્તર-પૂર્વ દિલ્હીમાં આ વર્ષની શરૂઆતમાં થયેલા કોમી રમખાણોની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસે અનેક ઘેરી ચિંતાઓ ઊભી કરી છે. તેમણે કહ્યું કે, રમખાણોની તપાસ દિલ્હી પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી) અને સ્પેશિયલ સેલ કાવતરાના પાસાંની તપાસ કરી હતી. જોકે, દિલ્હી પોલીસ દ્વારા કરાયેલી તપાસ તેની સામે જ અત્યંત ગંભીર પ્રશ્નો ઊભા કરી રહી છે અને હિંસામાં ષડયંત્રકાર તરીકે સીએએ, એનઆરસી અને એનપીઆર વિરોધી ચળવળમાં ભાગ લેનારા કર્મશીલો અને યુવા લોકોને ખોટી રીતે ફસાવવાનો પ્રયત્ન કરે છે તથા આ લોકોની હેરાનગતિ કરી રહી છે. નેતાઓએ કહ્યું કે, આ ઉપજાવી કાઢેલી ષડ્યંત્રની થિયરીથી હવે રાજકીય નેતાઓને ખોટી રીતે ફસાવવાની શરૂઆત થઈ રહી છે. દિલ્હી પોલીસની તાજેતરની પૂરક ચાર્જશીટમાં ધરપકડ કરાયેલા લોકોના ભાષણોનો હવાલો અપાય છે જેમાં કેસમાં અન્ય કર્મશીલો સાથે સીતારામ યેચૂરીનું નામ પણ સામેલ છે.
આવેદનપત્રમાં જણાવાયું હતું કે, લાંબા સમયથી સાંસદ રહેલા સીપીએમના મહાસચિવ સીતારામ યેચૂરી અને જાણીતા વિદ્વાનો, એકેડેમિક્સ અને કર્મશીલોના નામ આરોપી તરીકે જાહેરમાં લાવવાની આ નવી પ્રથા શરૂ થઇ રહી છે. આવી તપાસની પદ્ધતિ મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા થાય તેવા ચલણની શરૂઆત પર ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે. આવેદનપત્રમાં એવું પણ કહેવાયું કે, હિંસામાં પોલીસના પોતાના જ કર્મચારીઓ અને ભાજપના નેતાઓની કથિત ભૂમિકા સામે પોલીસની તપાસમાં આંખ આડા કામ કરવામાં આવ્યા છે. તેથી અમે રાષ્ટ્રપતિને અપીલ કરી રહ્યા છીએ કે, કમિશન ઓફ ઈન્કવાયરી એક્ટ ૧૯૫૨ હેઠળ સીટિંગ અથવા નિવૃત્ત જજની અધ્યક્ષતાવાળા પંચની નિગરાની હેઠળ તપાસના આદેશ આપવા માટે ભારત સરકારને તમે આદેશ કરવા તમને અમારી વિનંતી છે.