(એજન્સી)                 તા.૨૮

દિલ્હી રમખાણો અંગે દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરાયેલી એક ચાર્જશીટમાં મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના વરિષ્ઠ સભ્ય ડૉ.કાસિમ રસૂલ ઈલ્યાસનું નામ પણ સામેલ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ વાતનો ખુલાસો ડૉ.એસ.ક્યૂ.આર.ઈલ્યાસે તેમની એક ટિ્‌વટના માધ્યમથી કર્યો હતો. તેમણે ટિ્‌વટ કરી કે દિલ્હી રમખાણોમાં વાસ્તવિક ગુનેગારોને બચાવવા સીએએ વિરોધી આંદોલનમાં જોડાયેલા અને સક્રિય રહેલા લોકોને દિલ્હી રમખાણોમાં ફસાવાઈ રહ્યા છે. એફઆઈઆરમાં મારૂં પણ નામ સામેલ કરાયું છે. દાવો કરાયો છે કે, મેં ચાંદબાગમાં એક ભડકાઉ ભાષણ આપ્યો હતો. હું આ આરોપને સાબિત કરવા દિલ્હી પોલીસને પડકારૂં છું. ઈન્ડિયા ટુમોરો સાથેની વાતચીતમાં ડૉ.કાસિમ રસુલ ઈલ્યાસે કહ્યું હતું કે, જે લોકો રમખાણો કરાવવા, ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં સામેલ હતા તેમને દિલ્હી પોલીસ બચાવવા પ્રયાસો કરી રહી છે. ડૉ.ઈલ્યાસે કહ્યું કે, મેં સીએએ વિરોધી આંદોલનમાં દિલ્હી અને દેશભરમાં ભાષણ આપ્યા હતા. તમામ જગ્યાઓ પર રેકોર્ડિંગ ઉપલબ્ધ છે. દિલ્હી પોલીસે તપાસ કરાવી જણાવવું જોઈએ કે, મેં ક્યાં અને ક્યારે ભડકાઉ ભાષણ આપ્યો હતો ? તેમણે રમખાણો અંગે પોલીસની કાર્યશૈલી પર સવાલો ઊભા કરતાં કહ્યું કે, દિલ્હી પોલીસ ગૃહ મંત્રાલયના ઈશારે કામ કરે છે અને કોઈપણ આરોપી ખાસ કરીને ભાજપના નેતાઓની પૂછપરછ કરતી નથી કે જે લોકોએ ભડકાઉ ભાષણો આપ્યા હતા અને માહોલને કોમવાદી બનાવી દીધો હતો.