(એજન્સી) નવી દિલ્હી, તા.૩
ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલ હિંસા દરમિયાન ચાંદબાગ વિસ્તારમાં ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારી અંકિત શર્માની હત્યા અંગે નોંધાયેલા કેસમાં દિલ્હી પોલીસે ૩ જૂને ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે દાવો કર્યો છે કે, “તેમને (અંકિત શર્માને) ખાસ કરીને એક ટોળા દ્વારા નિશાન બનાવાયું હતું, જેનું નેતૃત્વ આમઆદમી પાર્ટીના બરતરફ કરાયેલ સભ્ય તાહિર હુસેન દ્વારા કરવામાં આવ્યું હતું.” પોલીસે જાહેર કરેલી નોંધમાં જણાવ્યું હતું કે, આ કેસમાં દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપ લગાવ્યો છે કે, તાહિર હુસેન એ મુખ્ય વ્યક્તિ છે જે ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીના રોજ ચાંદ બાગ વિસ્તારમાં ટોળાને ઉશ્કેરતો હતો અને ઉમેર્યું હતું કે, ડોક્ટરોને અંકિતના શરીર પર તીક્ષ્ણ હથિયારથી થયેલ ૫૧ ઇજાઓ મળી આવી હતી. અંકિત શર્માના મોટા ભાઈ અંકુર શર્માએ કહ્યું કે, અમારૂં પરિવાર આભારી છે કે, દિલ્હી પોલીસે તેના ભાઇની મૃત્યુના કેસમાં ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરી છે. મારા ભાઇની હત્યા કરવામાં આવી હતી અને ગટરમાં નાખી દેવામાં આવ્યું હતું. અમે ન્યાયની રાહ જોઈ રહ્યા છીએ. તોફાનીઓ, જેમણે મારા ભાઈની હત્યા કરી હતી તેને ફાંસીની સજા આપવામાં આવે. હું કેન્દ્ર સરકારને મારા ભાઈને શહીદનો દરજ્જો આપવા વિનંતી પણ કરૂં છું. આ કેસ ૨૬ ફેબ્રુઆરીએ દાખલ થયો હતો જે એફઆઈઆર નંબર ૬૫/૨૦૨૦ હેઠળ હતો. એફઆઈઆરમાં ખૂન, તોફાનો અને ગુનાહિત કાવતરાના આરોપોનો સમાવેશ થાય છે. તેમાં આઈ.પી.સી.ની કલમો ૧૦૯, ૧૧૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૩૬, ૧૫૩-એ, ૫૦૫, ૩૬૫, ૩૦૧, ૨૦૧ અને ૧૨૦-બી હેઠળ આરોપો મુકાયા હતા.