(એજન્સી) નવી દિલ્હી,તા.૧૪
પોલીસે સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે, ઉત્તરપૂર્વ દિલ્હીમાં થયેલા સાંપ્રદાયિક રમખાણોની તપાસમાં અત્યાર સુધી એવો કોઈ પુરાવો મળ્યો નથી. જે આ પુરવાર કરતું હોય કે રાજકરણીઓએ આ હિંસામાં ઉશ્કેરણી કરી હતી. અથવા તો તેમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ હિંસામાં ઓછામાં ઓછા પ૩ લોકોએ જીવ ગુમાવ્યો હતો. પોલીસે હાઈકોર્ટમાં આ રજૂઆત એ અરજીઓના જવાબમાં કરી હતી. જેમાં આક્ષેપો કરવામાં આવ્યા હતા કે કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર, પ્રવેશ વર્મા અને અભય વર્મા સહિત ભાજપના નેતાઓએ નફરતભર્યા ભાષણો આપ્યા હતા જેનાથી હિંસા ફેલાઈ હતી. એક અરજીમાં આ પણ કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ તેમજ મનિષ સિસોદિયા, અમાનતુલ્લાખાન જેવા આપ નેતાઓ અને એઆઈએમઆઈએમના ધારાસભ્ય વારિસ પઠાણે પણ નફરતભર્યા ભાષણો આવ્યા હતા. સોમવારે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી.એન. પટેલ અને જસ્ટિસ પ્રતિક જાલાનની બેંચ સમક્ષ સોગંદનામું દાખલ કરી પોલીસે આ જવાબ આપ્યો હતો. હવે આ કેસની આગામી સુનાવણી ર૧ જુલાઈના રોજ થશે.