(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૪
દિલ્હી પોલીસે હેડ કોન્સ્ટેબલ રત્તન લાલની હત્યા સંદર્ભે એક ચાર્જશીટ દાખલ કરી છે જેમાં એક સાક્ષીની જુબાની પણ સામેલ છે. એમણે દાવો કર્યો છે કે એક અફવાહ ફેલાઈ હતી કે ભાજપના નેતા કપિલ મિશ્રાના સમર્થકોએ સી.એ.એ. વિરૂદ્ધ થઇ રહેલ પ્રદર્શનકારીઓના એક પંડાલને આગ ચાંપી હતી જેથી હિંસા ફાટી નીકળી હતી. ઉત્તર પૂર્વ દિલ્હીમાં કેટલાક દિવસો સુધી ચાલેલ હિંસામાં રત્તન લાલની હત્યા થઇ હતી.
સાક્ષીએ દાવો કર્યો છે કે અમુક લોકોએ સાંભળ્યું હતું કે ચાંદ બાગ વિરોધ પ્રદર્શન સ્થળ ઉપર ભાજપના નેતા કપિલ મિશ્રાના સમર્થકોએ સી.એ.એ. વિરૂદ્ધ થઇ રહેલ પ્રદર્શન સ્થળના એક પંડાલને આગ ચાંપી હતી, જેના લીધે ટોળાઓ હિંસા તરફ વળ્યા હતા.
પોલીસ સૂત્રોએ એક સાક્ષીનો હવાલો આપી કહ્યું કે “ચાંદ બાગમાં અમુક લોકો કહેતા હતા કે એમણે સાંભળ્યું હતું કે કપિલ મિશ્રાના સમર્થકોએ પંડાલને આગ ચાંપી હતી, પણ અમે આ રીતનું કઈ જોયું ન હતું. દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે અમુક લોકો દ્વારા ઝાણીબુજી આ અફવાહ ફેલાવાઈ હતી જેનાથી પ્રદર્શન કારીઓમાં રોષ ફેલાય. ચાર્જશીટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે સ્વરાજ ઇન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે ચાંદબાગમાં સી.એ.એ. વિરોધ પ્રદર્શન સ્થળ ઉપર ભાષણ પણ આપ્યું હતું. જો કે યાદવનું નામ ચાર્જશીટમાં આરોપી તરીકે જણાવવામાં આવ્યું નથી. દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ રત્તન લાલ ઉત્તર પૂર્વ દિલ્હીના ગોકળ પૂરીમાં થયેલ હિંસક સંઘર્ષ દરમિયાન ગોળીઓની ઈજાઓથી મૃત્યુ પામ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ઉત્તર પૂર્વ દિલ્હીના કેટલાક ભાગોમાં સી.એ.એ. સમર્થકો અને વિરોધીઓ વચ્ચે હિંસક સંઘર્ષ ફાટી નીકળ્યો હતો જે ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું જેમાં ૫૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

દિલ્હી રમખાણોની ચાર્જશીટ કપિલ મિશ્રા
બાબત સાયલન્ટ, યોગેન્દ્ર યાદવનું નામ સામેલ

(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૪
ફેબ્રુઆરીમાં થયેલ સી.એ.એ.ના વિરોધ પ્રદર્શન દરમિયાન ફાટી નીકળેલ હિંસામાં હેડ કોન્સ્ટેબલની હત્યા સંદર્ભે દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં સ્વરાજ ઈન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવના ભાષણનો ઉલ્લેખ કર્યું છે જે એમણે ચાંદ બાગમાં આપ્યું હતું. જો કે, એમનું નામ આરોપી તરીકે નથી પણ એમના ભાષણના લીધે એમને સહ ષડ્યંત્ર કારી તરીકે જણાવવામાં આવ્યું છે.
ચાર્જશીટમાં એક સાક્ષીની જુબાનીનો ઉલ્લેખ છે જેમણે કહ્યું છે કે, ચાંદ બાગમાં ટોળાએ સાંભળ્યું હતું કે કપિલ મિશ્રાના સમર્થકોએ પ્રદર્શન સ્થળ ઉપર આગ ચાંપી છે જેના લીધે ટોળાના હુમલાથી પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું હતું. કોન્સ્ટેબલની હત્યાની તપાસમાં આ વિગતો સામે આવી છે.
મિશ્રાને આરોપી બનાવવામાં નથી આવ્યું એમણે ૨૩ ફેબ્રુઆરીએ ચાંદ બાગથી ત્રણ કિલોમીટર દૂર મૌજપુરમાં સી.એ.એ.ના સમર્થનમાં રેલીને સંબોધિત કર્યું હતું.
યોગેન્દ્ર યાદવે વીડિયો દ્વારા નિવેદનમાં જણાવ્યું છે કે, પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે પણ મારી સામે કોઈ આક્ષેપો નથી. હું આરોપી નથી. મારી વિરૂદ્ધ એમણે કઈ કહ્યું નથી સિવાય કે હું ત્યાં આવતો હતો અને ભાષણ આપતો હતો. આ કોઈ છૂપાયેલ હકીકત નથી. મેં બધી જગ્યાએ જાહેરમાં ભાષણ આપ્યું છે.
દિલ્હી પોલીસે જણાવ્યું છે કે, હિંસામાં ચાંદ બાગના આયોજકો, અને ડી.એસ. બિન્દ્રા, કવલપ્રીત કૌર, દેવાંગના ક્લીતા, સફૂરા, યોગેન્દ્ર યાદવએ બધાનું છૂપું એજન્ડા હતો.
દિલ્હી રમખાણો સંદર્ભે દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટમાં ભાજપના નેતાઓના નામો નથી જેમણે ઉશ્કેરણીજનક ભાષાણો આપ્યા હતા જેમાં કપિલ મિશ્રાનું ભાષણ પણ હતું. રેલીમાં એમણે દિલ્હી પોલીસને ચેતવણી આપી હતી કે તેઓ રોડ ક્લીઅર કરાવે અન્યથા તે પોતે રસ્તાઓ ક્લીઅર કરાવશે એના કલાકો પછી બે ગ્રુપો વચ્ચે હિંસક સંઘર્ષ થયું હતું જે ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો.