(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
દિલ્હીની કોર્ટે આપના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનની અરજી રદ્દ કરી, એમની ધરપકડ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફેબ્રુઆરીમાં થયેલ રમખાણો સંદર્ભે કરાઈ હતી. એમણે પોલીસ ઉપર આક્ષેપો મૂક્યા હતા કે, પોલીસ પોતાની સત્તાનું દુરૂપયોગ કરી રહી છે અને એમની સામેના જૂના પડતર કેસો સંદર્ભે ખોટી અને બનાવટી રિપોર્ટ દાખલ કરી રહી છે. ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ પુરૂષોત્તમ પાઠકે અરજી રદ્દ કરી હતી જેમાં તપાસ કરી રહેલ અધિકારીઓ સામે કાયદાકીય પગલાં લેવા માગણી કરાઈ હતી. હુસૈને આક્ષેપો કર્યા હતા કે, પોલીસે એમની સામે દાખલ કરાયેલ છઠ્ઠી એફ.આઈ.આર.ની માહિતી કોર્ટને આપી ન હતી. પણ કોર્ટે ૨૫મી જુલાઈના આદેશમાં જણાવ્યું હતું કે, અરજીમાં કોઈ તથ્યો નથી અને માહિતી પૂરી નહિ પાડવી એ તપાસ અધિકારીની એક યોગ્ય ભૂલ હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલ સુનાવણી દરમિયાન હુસૈનના વકીલે કોર્ટને જણાવ્યું કે, શરૂઆતમાં હુસૈને માર્ચમાં અરજી દાખલ કરી હતી જેમાં પોલીસને એફ.આઈ.આર.ની નકલો આપવા કહ્યું હતું. પોલીસે ૧૯ માર્ચમાં કોર્ટમાં દાખલ કરાયેલ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, હુસૈન સામે પાંચ કેસો દાખલ કરાયા છે. એ પછી એમની ધરપકડ અન્ય એફ.આઈ.આર. હેઠળ કરાઈ હતી જે ફેબ્રુઆરીમાં નોંધાઈ હતી પણ ૧૯ માર્ચની રિપોર્ટમાં એની વિગતો જણાવી ન હતી. એમણે દાવો કર્યો કે, આના લીધે શંકા ઉપજી હતી અને એવું જણાયું હતું કે, આ કોઈ બનાવટી એફ.આઈ.આર. છે અથવા ૧૯ માર્ચની રિપોર્ટ સાથે ચેડાં કરાયા હતા. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે, ખોટી માહિતી આપવાનો કોઈ ઉદ્દેશ જ ન હતો જે રીતે અરજીમાં જણાવવામાં આવ્યું છે અને તપાસ અધિકારીએ છઠ્ઠી એફ.આઈ.આર. નહિ જણાવવામાં ભૂલ કરી હતી. કોર્ટે નોંધ્યું કે, આરોપીની છઠ્ઠી એફ.આઈ.આર. જણાવાવમાં પોલીસે જાણી બુજી અવગણના નથી કરી અને એવી પોલીસને કોઈ જરૂર પણ ન હતી.