ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલ માનવ અધિકાર ઉલ્લંઘનના તમામ આક્ષેપો અને રાજકીય નેતાઓએ આપેલા ભડકાઉ ભાષણોની તત્કાળ, વિસ્તૃત, પારદર્શી, સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવી જોઇએ. દિલ્હીના રમખાણગ્રસ્તો અને તેના પરિવારના સભ્યોને ન્યાય અપાવવા માટે આ દંડમુક્તિને ખતમ કરવાની જરૂર છે અને તેનો અંત લાવવો જોઇએ

નવો સંશોધનાત્મક રિપોર્ટ જાહેર કરીને વૈશ્વિક માનવ અધિકાર સંરક્ષક ધી એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ જણાવ્યું છે કે ફેબ્રુ.ના નોર્થ ઇસ્ટ દિલ્હી ખાતે મુસ્લિમ વિરોધી હિંસામાં પોલીસકર્મીઓની સંતલસ અને સક્રિય સામેલગીરી હોવાના વાંધાજનક પુરાવા હોવા છતાં દિલ્હી પોલીસને કોઇ ઉની આંચ આવી નથી અને બિનદાસ્ત દંડમાંથી મુક્તિને માણી રહી છે.
આ રિપોર્ટમાં ખાસ કરીને એ વાત પર ધ્યાન દોરવામાં આવ્યું છે કે હિંસા પહેલા, દરમિયાન કે પાછળથી દિલ્હી પોલીસ દ્વારા આચરવામાં આવેલા માનવ અધિકાર ઉલ્લંઘનમાં છેલ્લા છ મહિનામાં એક પણ તપાસ શરૂ કરવામાં આવી નથી, જ્યારે આ હિંસા માટે પોલીસ દ્વારા અનેક નિર્દોષોને ફસાવવામાં આવ્યાં છે. દિલ્હી પોલીસને પ્રાપ્ત આ રક્ષણનો હવે અંત આવવો જોઇએ એવી માગણી કરીને એમ્નેસ્ટીએ ભારતના ગૃહ મંત્રાલયને અતિશય બળપ્રયોગ, ટોર્ચર અને અન્ય ક્રૂર, અમાનવીય કે અપમાનિત વર્તણૂંક કે સજા, જમણેરી જૂથો દ્વારા હુમલા સામે બચી ગયેલા લોકો અને અન્ય વ્યક્તિઓને રક્ષણ આપવામાં નિષ્ફળતા તેમજ શસ્ત્રોના દુરુપયોગ સહિત કાયદાપાલક અધિકારીઓ દ્વારા માનવ અધિકારના ઉલ્લંઘનના આક્ષેપોમાં તાત્કાલિક, સંપૂર્ણ, સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ શરૂ કરવા જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૩થી ૨૯ ફેબ્રુ. ૨૦૨૦ દરમિયાન દિલ્હીના નોર્થ ઇસ્ટ ડિસ્ટ્રીક્ટમાં ફાટી નીકળેલા રમખામોમાં ૫૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં હતાં જેમાંના મોટા ભાગના મુસ્લિમો હતાં અને ૫૦૦થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. રમખાણોમાં બચી ગયેલા ૫૦ જેટલા લોકો, સાક્ષીઓ, વકીલો, ડોક્ટરો, માનવ અધિકાર કર્મશીલો અને નિવૃત્ત પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ તેમજ અનેક વીડિયોનું વિશ્લેષણ કર્યા બાદ નવા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયા ફિલ્ડ ઇન્વેસ્ટીગેશને રમખાણો દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા આચરવામાં આવેલ ગંભીર માનવ અધિકાર ઉલ્લંઘનની ચિંતાજનક પેટર્ન પર અહેવાલ તૈયાર કર્યો છે. આ ઉલ્લંઘનમાં હુલ્લડખોરો સાથે હિંસામાં પોલીસ અધિકારીઓની સંડોવણી, કસ્ટડીમાં ટોર્ચરીંગ, દેખાવકારો પર અતિશય બળપ્રયોગ, શાંતિપૂર્ણ દેખાવોને વિખેરી નાખવા અને હુમલાખોરો જ્યારે વિનાશ વેરી રહ્યાં હતાં ત્યારે મૂક પ્રેક્ષક બનીને ઊભા રહેવું એવી બાબતોનો સમાવેશ થાય છે.
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર અવિનાશકુમારે ૨૦ પાનાની ન્યૂ ઇન્વેસ્ટીગેટીવ બ્રીફ જાહેર કર્યા બાદ જણાવ્યું હતું કે રમખાણગ્રસ્તોને ન્યાય સુનિશ્ચિત કરવાની દિશામાં પ્રથમ પગલું દિલ્હી પોલીસની દંડમુક્તિનો અંત લાવવાનું છે કારણ કે તેની સંડોવણીનું હવે સુયોજિત દસ્તાવેજીકરણ થયું છે. છ મહિના થયાં છતાં દિલ્હી પોલીસની ભૂમિકામાં એક પણ તપાસ શરુ કરવામાં આવી નથી. પ્રવર્તમાન સરકાર પ્રેરીત દંડમુક્તિ એવો સંદેશો આપે છે કે કાયદાપાલક અધિકારીઓ ગંભીર માનવ અધિકારનું ઉલ્લંઘન કરી શકે છે અને જવાબદારીમાંથી છટકી જઇ શકે છે. જાણે કે તેઓ સ્વયં કાયદા સમાન છે એવું તેમણે ઉમેર્યું હતું. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાનો આ તપાસ અહેવાલ રમખાણો પહેલાની ઘટનાઓનું દસ્તાવેજીકરણ કરે છે અને તેમાં ભાજપના નેતા કપિલ મિશ્રા સહિત અન્ય રાજકીય નેતાઓ દ્વારા આપવામાં આવેલા ભડકાઉ ભાષણો અને દિલ્હીમાં યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસની પાશવતાનો ઘટનાક્રમ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ત્યારબાદ રમખાણોને રોકવાની દિશામાં દિલ્હી પોલીસની અપર્યાપ્ત પ્રતિક્રિયા અને હિંસામાં તેની સક્રિય સામેલગીરીનું પણ દસ્તાવેજીકરણ કરાયું છે. તેમાં પીડિતોને તબીબી સેવાઓથી વંચિત રાખવા, હિંસામાં સામેલગીરી, દેખાવકારો પર અતિશય બળપ્રયોગ અને દેખાવો પ્રત્યે પક્ષપાતનો સમાવેશ થાય છે.
આ અહેવાલમાં હિંસા બાદ પોલીસ દ્વારા રમખાણગ્રસ્તો અને કસ્ટડીમાં લેવામાં આવેલ લોકો સાથે યાતના અને દુર્વ્યવહાર તેમજ રમખાણગ્રસ્તો અને શાંતિપૂર્ણ દેખાવકારોનું ઉત્પીડન કરવાથી લઇને તેમને ડરાવવા ધમકાવવાની એક સ્પષ્ટ પેટર્ન દર્શાવવામાં આવી છે. યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયા પર વાઇરલ કરવામાં આવેલ વીડિયોમાં દેખાતા માનવ અધિકારના ઉલ્લંઘનોના પુરાવાની વિશ્વસનીયતાનું સમર્થન કરવા માટે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલની ક્રાઇસીસ એવિડન્સ લેબનો સહકાર લીધો હતો. આ લેબ અત્યાધુનિક, ઓપન સોર્સ અને ડિજીટલ તપાસ સાધનો દ્વારા ગંભીર માનવ અધિકાર ઉલ્લંઘનોનું વિશ્લેષણ અને તેને સમર્થન આપવાનું કામ કરે છે. ક્રાઇસીસ એવિડન્સ લેબે વીડિયોનો સમય, તારીખ અને સ્થળનું સમર્થન કરીને આ વીડિયોને પ્રમાણિત કર્યા છે. આ ઉપરાંત એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ જ્યાં વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો તે સ્થળની મુલાકાત લીધી હતી અને ત્યાંં હાજર સાક્ષી અને પીડિતો સાથે વાત કરી હતી. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલની ક્રાઇસીસ એવીડન્સ લેબ દ્વારા કરવામાં આવેલ વિશ્લેષણમાં સામેલ કેટલાય વીડિયોમાંથી એક વીડિયોમાં દિલ્હી પોલીસ અધિકારને ૨૪, ફેબ્રુ.ના રોજ પાંચ ઘાયલ લોકોને લાત મારતાં અને તેમને ફટકારતાં, તેમને રાઇફલથી ઘોંચતા અને ભારતના રાષ્ટ્રગીતને ગાવા માટે કહેતા જોઇ શકાય છે. વીડિયો રેકોર્ડ કર્યા બાદ પાંચ લોકોને પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતાં તેમાંથી એક ઘાયલ શખ્સ ફૈઝાનને પોલીસે કોઇ પણ જાતના આરોપ વગર લગભગ ૩૬ કલાક સુધી કસ્ટડીમાં રાખ્યો હતો અને તેની સ્થિતિ બગડતા તેને તેની માતાને હવાલે કરવામાં આવ્યો હતો. રમખાણમાં બચી જનાર શાહીદાએ જણાવ્યું હતું કે અમોએ ઇમર્જન્સી નં.૧૦૦ અનેક વખત ડાયલ કર્યો હતો પરંતુ કોઇ જવાબ મળતો ન હતો અને જ્યારે જવાબ આપ્યો ત્યારે તેઓ એવું કહેતા હતા કે તમારે આઝાદી જોઇએ છીએને તો હવે તમે આઝાદી લઇ લો. ભુરેખાન નામના એક અન્ય પીડિતે જણાવ્યું હતું કે તેઓ જય શ્રીરામના સૂત્રો પોકારતા હતા. સૌપહેલા તેમણે મારી કાર અને મોટરસાયકલને આગ ચાંપી હતી. મારા ભાઇને પત્થર લાગ્યો હતો અને અમને સમજાઇ ગયું હતું કે પોલીસ હુલ્લડખોરો સાથે સંતલસમાં કામ કરી રહી છે અને તેથી મેં મારા પરિવારને બધું છોડીને ત્યાંથી નાસી જવાનું સૌથી સારૂં છે એવું જણાવ્યું હતું. રિપોર્ટમાં જણાવાયું છે કે રમખાણો ભડકાવવા માટે ભડકાઉ ભાષણો કરનાર ભાજપના રાજકારણીઓએ પણ ભૂમિકા ભજવી હતી અને તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.ભાજપના નેતા કપિલ મિશ્રાના ભડકાઉ ભાષણ બાદ તુરત મોટા પાયે હિંસા ભડકી ઊઠી હતી, પરંતુ હજુ સુધી એક પણ રાજકીય નેતા સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી નથી. અવિનાશકુમારે જણાવ્યું છે કે આ પ્રકારની હિંંસા દોહરાવવાનો સીલસીલો ચાલુ રહેવાથી દંડમુક્તિનો માહોલ હોય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. આ દંડમુક્તિ રાજકારણીઓ અને પોલીસને એવો સંદેશ આપે છે કે તેઓ ભલે ગમે તેટલા ગંભીર માનવ અધિકારોનું ઉલ્લંઘન કરે તેમ છતાં તેમને કોઇ ઉની આંચ નહીં આવે અને તેઓ છટકી જઇ શકશે. આ દંડમુક્તિનો અંત લાવવો જોઇએ.
– અબ્દુલ બારી મસુદ
(એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયા)
(સૌ. : મુસ્લિમ મિરર)