(એજન્સી)
નવી, દિલ્હી તા.૧૬
આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલ કોમી રમખાણો સંદર્ભે દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. બે પેટીઓમાં ભરાયેલ ૧૭,૫૦૦ પાનાંની ચાર્જશીટમાં ૨૬૦૦ પાનાં સામેલ છે જેમાં આરોપીઓ સામે વિગતવાર આક્ષેપો મુકાયા છે. એવા આરોપીઓ સામેના પણ આક્ષેપો છે જેમની સામે યુએપીએ હેઠળ આક્ષેપો મુકાયા છે. પોલીસે કોર્ટ સમક્ષ કહ્યું છે કે હજુ તપાસ ચાલી રહી છે અને જેમના નામો નથી તેમની સામે પૂરક ચાર્જશીટ પણ દાખલ કરી શકે છે. ઉત્તર પૂર્વ દિલ્હીમાં રમખાણો કરનાર લોકો સાથે ષડ્યંત્રકારીઓ સીધી રીતે સંપર્કમાં હતા. પોલીસે કહ્યું કે બે વ્હોટસએપ ગ્રુપો બનાવાયા હતા જેમના દ્વારા સીલમપુર અને જાફરાબાદમાં હિંસા આચરાઈ હતી. કેન્દ્ર સરકારના વિવાદિત કાયદા સીએએ વિરુદ્ધ આંદોલન કરાયું હતું જેમાં કાયદાના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે સંઘર્ષ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મીટિંગ કરી રહ્યા હતા એનાથી થોડા કિલોમીટર જ દુર દિલ્હીના અનેક વિસ્તારોમાં કોમી હિંસા ભડકી ઊઠી હતી. હથિયારો સાથે કરાયેલ હુમલાઓમાં ૫૩ વ્યક્તિઓનાં મોત થયા હતા અને ૨૦૦થી વધુ લોકો ઘવાયા હતા. અને સેંકડો લોકો ઘરવિહોણા બન્યા હતા. દિલ્હી પોલીસ જે કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ આવે છે એમની ભૂમિકા શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલ રહી છે. એમની ઉપર આખેપો છે કે એમણે ફક્ત એકજ કોમના લોકોની ધરપકડો કરી હતી અને એ ઉપરાંત અહેવાલો મળ્યા હતા કે પોલીસ રમખાણો દરમિયાન બીજી કોમના લોકોને મદદ કરી રહી હતી.