(એજન્સી) નવી દિલ્હી, તા.૩
દિલ્હી પોલીસે મંગળવારે રાષ્ટ્રીય પાટનગરના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ફેબ્રુઆરીમાં થયેલી હિંસાના મામલે બે ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં ઓછામાં ઓછા ૫૩ લોકોનાં મોત અને ૨૦૦ લોકો ઘવાયા હતા. ક્રાઈમ બ્રાંચ દ્વારા કરકરડુમા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. બંનેમાં જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમરખાલીદના નામનો ઉલ્લેખ છે. રમખાણો દરમિયાન નોંધાયેલા કેસોની તપાસ માટે ત્રણ વિશેષ તપાસ ટીમો બનાવવામાં આવી હતી. બરતરફ કરાયેલ આપના કાઉન્સિલર તાહિર હુસેન સામે પ્રથમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે કે, “તે ખાલિદ સૈફી અને ઉમર ખાલિદ સાથે સંકળાયેલા જોવા મળ્યા હતા, જેઓ દિલ્હીમાં હુલ્લડો અને વિરોધ પ્રદર્શન યોજનારા લોકોના મોટા જૂથનો ભાગ છે.” જાફરાબાદ હુલ્લડ મામલે બે “પિંજરા તોડ” કાર્યકરો નતાશા નરવાલ અને દેવાંગના કાલિતા સામે બીજી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. “આ કેસ ૨૨ ફેબ્રુઆરીએ હત્યા અને રમખાણો માટે નોંધવામાં આવ્યો હતો. રમખાણો દરમિયાન ગોળીબારથી ઇજાને કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું” પોલીસે જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, નતાશા અને દેવાંગના બંને દિલ્હીના જાફરાબાદ મેટ્રો સ્ટેશન નજીક તોફાનો કરવાના ષડયંત્ર રચવામાં સક્રિય રીતે સંકળાયેલા હતા. “તેઓ મોટા કાવતરાનું ભાગ પણ હતા અને તેઓ “યુનાઇટેડ અગેન્સ્ટ હેટ” જૂથ અને ઉમરખાલિદ સાથે જોડાયેલા હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસના નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે કે, વોટ્‌સએપ ચેટ પર આરોપીના ફોનમાં મળેલા સંદેશમાં ષડયંત્ર અને રમખાણો સર્જવાની તૈયારી જણાવાઈ હતી.