(એજન્સી) તા. ૬
ઉત્તર-પૂર્વ દિલ્હીમાં રમખાણો દરમ્યાન કરવામાં આવેલા એક પી.સી.આર. કોલે દિલ્હી પોલીસને મુખ્ય સાક્ષી સુધી પહોંચવામાં મદદ કરી હતી. જેણે હથિયારોધારી ભીડને ઓળખવાની તેમજ મુસ્લિમ પુરૂષોની હત્યા કરી તેમના મૃતદેહોને નાળામાં ફેંકવાની ઘટના અંગે માહિતી આપી હતી. દિલ્હી પોલીસે ૨૬ ફેબ્રુઆરીની રાત્રે ૧૦ઃ૦૫ વાગે કરવામાં આવેલા પી.સી.આર. કોલના આધારે અમીન, ભૂરા અને હમ્ઝાની હત્યાઓના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે જેમાં ફોન કરનાર શખ્સે પોલીસને એક મુસ્લિમ વ્યક્તિની બાઈક સળગાવવાની તેમજ જીવ બચાવવા માટે તે શખ્સ નાળામાં કૂદયો હોવાની જાણકારી આપી હતી. આ શખ્સને શોધવામાં આવ્યો હતો અને તેની ઓળખાણ ગંગાવિહારના રહેવાસી તરીકે થઈ છે. ચાર્જશીટ મુજબ આ સાક્ષીએ પ્રથમવાર રાત્રે ૧૦ઃ૦૫ વાગે પી.સી.આર. કોલ કર્યો હતો. આ સાક્ષી હિંદુ છે. તેમણે જણાવ્યું હતું કે, હિંદુઓએ મુસ્લિમ શખ્સની બાઈકને સળગાવી દીધી હતી. અને તેઓ મુસ્લિમ શખ્સન પણ આગ ચાંપવાના હતાં પરંતુ તે નાળામાં કૂદી રડ્યો હતો. ચાર્જશીટ મુજબ પી.સી.આર કોલની વીસ મિનિટ પછી તેણે ફરી ફોન કરી જણાવ્યું હતું કે. મુસ્લિમોની હત્યાઓ કરવામાં આવી રહી છે અને તેમની બાઈકો સળગાવવામાં આવી રહી છે. ચાર્જશીટમાં આ શખ્સના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, તે ૨૪ ફેબ્રુઆરી સાંજે ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે ગંગાવિહારમાં તોફાનીઓએ તેને રોક્યો હતો. બ્રેક મારવાના કારણે તેની બાઈક લપસી પડી હતી. અને તે પડી ગયો હતો. જ્યારે તે ઊભો થયો તો તેની બાઈક ત્યાં ન હતી. તે ફરિયાદ કરવા ગોકુલપુરી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પરંતુ તેની ફરિયાદ નોંધવામાં આવી ન હતી. અને તેને બીજા દિવસે આવવાનું કહેવામાં આવ્યું હતું. બીજા દિવસે સાંજે ગોકુલપુરી પોલીસ સ્ટેશનથી ઘરે પરત ફરતી વખતે તેણે જૌહરીપુરમાં મોટી સંખ્યામાં એકત્ર થયેલી ભીડને પથ્થર, ગદા લાઠી, તલવારો અને લોંખડના સળિયાઓ લઈ જતાં જોયાં. ભીડમાં જય શ્રીરામ અને હર હર મહાદેવ જેવા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતાં. તેઓ લોકોની ઓળખ કરી રહ્યા હતાં. અને જો કોઈ મુસ્લિમ મળી જતો તો તેને મારી તેના મૃતદેહને નાળામાં ફેંકી રહ્યા હતાં. આ શખ્સ ૨૬ ફેબ્રુઆરી રાત્રે લગભગ સાડા નવ વાગે બાગીરથી વિહાર નાળામાં તેની બાઈક શોધવા નીકળ્યો હતો. તેણે જોયું કે, ભીડે લોની તરફથી આવી રહેલા એક શખ્સને રોક્યો અને મુસ્લિમ તરીકે ઓળખાણ થયા પછી પથ્થરો, લાકડીઓ, તલવારો અને લોંખડના સળિયાઓ વડે તેની હત્યા કરી દીધી હતી. તેનો મૃતદેહ નાળામાં ફેંકી દેવામાં આવ્યો હતો. પોલીસ ચાર્જશીટ મુજબ આ શખ્સે જણાવ્યું હતું કે, ત્યાર બાદ ભીજે અમારી બાઈક પર આવેલા બે શખ્સોને રોક્યા હતાં. આ બંને શખ્સોની ઓળખાણ પણ મુસ્લિમ તરીકે થઈ. તેમની હત્યા કરી તેમના મૃતદેહોને નાળામાં ફેંકી દેવામાં આવ્યા હતા. આમ ભીડે ધાર્મિક ઓળખાણ કર્યા પછી અન્ય લોકોની પણ હત્યા કરી હતી.