(એજન્સી) તા.૧૫
ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફાટી નીકળેલા રમખાણો મામલે દિલ્હી પોલીસે તેના કર્મચારીઓ તથા ભાજપના નેતા કપિલ મિશ્રાને કોઈપણ પ્રકારની સંડોવણી ન હોવાનો દાવો કરતા ક્લિનચીટ આપી દીધી હતી. ઉલ્લેખનીય છે કે આ રમખાણોમાં ૫૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા જેમાં મોટાભાગના મુસ્લિમો જ હતા.
તમને જણાવી દઈએ કે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફાટી નીકળેલા રમખાણોમાં મોટી સંખ્યામાં લોકો ઘવાયા હતા અને આ દરમિયાન હજારો કરોડ રૂપિયાની સંપત્તિને નુકસાન પહોંચાડાયું હતું. દિલ્હીમાં ૨૪ જાન્યુઆરીથી ૨૬ જાન્યુઆરી વચ્ચે રમખાણો થયા હતા. પોલીસે દિલ્હી હાઈકોર્ટમાં આ મામલે સોગંદનામું દાખલ કર્યુ હતું.
૧૩ જુલાઈએ દાખલ કરેલા સોગંદનામામાં પોલીસે જણાવ્યું કે રમખાણો સંબંધિત કેસમાં તપાસ દરમિયાન એવા કોઈ પુરાવા મળ્યાં નથી કે જેનાથી સાબિત થાય કે ભાજપના નેતાઓની તેમાં કોઈપણ પ્રકારની સંડોવણી હતી. દિલ્હી પોલીસે આ સોગંદનામું ત્યારે દાખલ કર્યુ જ્યારે એક પીઆઈએલમાં ભાજપના નેતા કપિલ મિશ્રા, આપના નેતાઓ તથા કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણો આપવા મામલે એફઆઈઆર નોંધવાની માગ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે જ્યારે દિલ્હીમાં રમખાણો થયા હતા તેના અમુક દિવસ પહેલા જ ભાજપ નેતા કપિલ મિશ્રાએ દિલ્હી પોલીસની હાજરીમાં જ તેને ચેતવણી આપી હતી કે જો જાફરાબાદ મેટ્રો સ્ટેશન સામે ધરણાં કરી રહેલા સીએએ વિરોધી દેખાવકારોને રોડ ખાલી કરવા નહીં કહેવાય કે તેમને હટાવાશે નહીં તો તેના માઠા પરિણામ ભોગવવા પડશે. તેણે રમખાણો કરવાની ત્યારે જ ધમકી આપી હતી.