(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
દિલ્હીમાં થયેલા રમખાણો મામલે પ્રોગેસિવ મેડિકોસ એન્ડ સાયન્ટીસ્ટ ફોરમ દ્વારા રજૂ કરવામાં આવેલા તપાસ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, દિલ્હી હિંસા દરમિયાન ‘‘જય શ્રીરામ’’ના સૂત્રો પોકારતા હુમલાખોરો દ્વારા એક યુવાનના ગુપ્ત ભાગને કાપી નાંખવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર સરકારી એમ્બ્યુલન્સોને ઘટના સ્થળ સુધી પહોંચવા નહીં દેવાતા અનેક લોકોને જાન ગુમાવવાનો વારો આવ્યો હતો. એમ્બ્યુલન્સો અટકાવવાના કારણે ઈજાગ્રસ્તોને પણ ખૂબ જ પરેશાનીમાંથી પસાર થવું પડયું હતું. અહેવાલ મુજબ ઈજાના કુલ કેસો પૈકી ૭પ ટકા કેસોમાં લોકો પેલેટ અથવા ગોળીના કારણે ઈજાગ્રસ્ત થયા હતા. રિપોર્ટમાં દિલ્હી પોલીસ દ્વારા દાખવવામાં આવેલા ભેદભાવને ખાસ ઉલ્લેખ કરતાં જણાવવામાં આવ્યું હતું કે, એક કેસમાં પોલીસે પીડિતના સગાઓને જ માર માર્યો હતો અને કહ્યું હતું કે, તેમણે અમારા બે ત્રણ લોકોને મારી નાંખ્યા હતા. ૧૦-૧પ લોકોને મરવા દો. હિંસામાં માર્યા ગયેલા ૪૮ લોકો પૈકી ૩૧ મૃતકો ર૧થી ૪૦ વર્ષ વય જૂથના હતા. જ્યારે છ મૃતકોની વય ૧પથી ર૦ વર્ષની વચ્ચે હતી જ્યારે પાંચ મૃતકોની વય પ૦ વર્ષ હતી. જીટીબી હોસ્પિટલના આંકડાઓને ટાંકતા જણાવવામાં આવ્યું હતું કે, રર લોકોને મૃત અવસ્થામાં જ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યારે હોસ્પિટલના ન્યુરોસર્જરી વિભાગમાં સારવાર દરમિયાન સાત લોકોના મોત થયા હતા.