(એજન્સી) તા.ર૦
૪ર વર્ષીય શૌકત અલીએ દિલ્હી સરકારને વિનંતી કરી છે કે તેમનું વળતર રૂા.ર૦,૦૦૦થી વધારીને રૂા. ર લાખ કરવામાં આવે. આ એ જ રકમ છે જે દિલ્હી સરકારે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને આપવાનું વચન આપ્યું હતું. શૌકતઅલીએ દાવો કર્યો હતો કે તેમને વળતર પેટે ફકત રૂા.ર૦,૦૦૦ જ મળ્યા હતા. કારણ કે યમુના-વિહારના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે રાઈફલની ગોળીથી તેમને પહોંચેલી ઈજાને સામાન્ય ગણાવી હતી. અલી તેમના પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ છે. તેમના પર છ લોકોનાં ભરણપોષણની જવાબદારી છે. મુસ્તુફાબાદના બાપુનગર વિસ્તારમાં રહેતા શૌકતઅલી રપ ફેબ્રુઆરીની સાંજે ઘર માટે કેટલીક વસ્તુઓ લેવા બહાર નીકળ્યા હતા. તે માર્કેટ તરફ જઈ રહ્યા હતા. ત્યારે તેમણે થોડે દૂરથી બૂમો સાંભળી હતી. તે વધુ કશું સમજે તે પહેલા રાઈફલમાંથી છોડવામાં આવેલી ગોળી તેમની ડાબી જાંઘમાં વાગી ગઈ અને તે બેભાન થઈ ઢળી પડ્યા. અલીએ કહ્યું હતું કે એ પછી શું થયું એ હું જાણતો પરંતુ જ્યારે મને ભાન આવ્યું ત્યારે હું અલ-હિન્દ હોસ્પિટલમાં હતો. મારી ઈજા વધુ ગંભીર હોવાથી ડોકટરોએ મને કોઈ મોટી હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી હતી. ર૬ ફેબ્રુઆરીના રોજ મને દિલ્હી ગેટ ખાતે આવેલી લોકનાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં શૌકત અલી સાજા થઈ ગયા હોવા છતાં તે હજીપણ પોતાના ડાબા પગ પર ભાર આપી શકતા નથી. ઈજાના કારણે શૌકત અલીને નોકરી પણ છોડવી પડી હતી. હાલમાં તે પંજાબના હોશિયારપુરમાં આવેલી એક ખાનગી કંપનીમાં પહેલા કરતા અડધા પગારે નોકરી કરે છે.