(એજન્સી) તા.૨
એક અનપેક્ષિત પગલું ભરતાં દેશના ટોચના લૉ અધિકારી તથા સોલિસીટર જનરલ ઓફ ઈન્ડિયા તુષાર મહેતા સહિત તેમના બે આસિસ્ટન્ટ સોલિસીટર જનરલ ઓફ ઈન્ડિયા મનિન્દર આચાર્ય અને અમન લેખી સહિત ચાર અન્ય વકીલોની દિલ્હી સરકારે પબ્લિક પ્રોસીક્યૂટર તરીકે નિમણૂક કરી છે.
તેઓ ૨૪ વર્ષીય એમબીએ સ્ટુડન્ટ્‌સ ગુલફિશા ફાતિમાના કેસ સંબંધિત પબ્લિક પ્રોસીક્યૂટર બનશે. ગુલફિશાન ફાતિમાએ ઉત્તરપૂર્વ દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં સીએએ વિરોધી દેખાવનું આયોજન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જોકે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે પણ તેમની નિમણૂકને મંજુરી આપી દીધી હતી.
૨૯ મેના રોજ દિલ્હી સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સેલ રાહુલ મહેરાએ દિલ્હી હાઈકોર્ટને તેમની નિમણૂક અંગે માહિતી આપી દીધી હતી. દિલ્હી હાઈકોર્ટ ગુલફીશાના ભાઈ તથા એડવૉકેટ અકિલ અહેમદ દ્વારા દાખલ હેબિયસ કોપર્સ પર સુનાવણી કરી રહી છે.
ગુલફિશાની ૯ એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે આરોપ મૂકાયા હતા કે તેમણે ૨૨ ફેબ્રુઆરીથી નાગરિકતા સુધારા કાયદા તથા પ્રસ્તાવિત એનઆરસી વિરુદ્ધ દેખાવો કરવા માટે લોકોને ઉશ્કેર્યા હતા અને આ દરમિયાન તેઓએ જ લોકોને ઉશ્કેરીને જાફરાબાદ મેટ્રો સ્ટેશનની બહાર રોડ બ્લૉક કરાવી દીધો હતો. ગુલફીશાના ભાઈએ જ હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સ રીટ દાખલ કરી છે કેમ કે ગુલફીશાની લાંબા સમયથી ધરપકડ કરી રાખવામાં આવી છે. જોકે કોવિડ-૧૯ની મહામારી તથા તેના કારણે લાગુ લૉકડાઉનને કારણે અનલૉફૂલ પ્રિવેન્શન (એક્ટિવિટી) એક્ટ(યુએપીએ)ની વિશેષ કોર્ટ પણ હાલમાં બંધ છે અને સુનાવણી હાથ ધરી રહી નથી.