(એજન્સી) નવી દિલ્હી,તા.૧૧
કડકડડૂમા કોર્ટે દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ રતનલાલની હત્યા કેસમાં ચાલી રહેલ તપાસ સંદર્ભે દિલ્હી પોલીસની તરફેણમાં ચુકાદો આપ્યો છે. રતનલાલની હત્યા દિલ્હીમાં આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં થયેલ રમખાણો દરમિયાન થઇ હતી. કોર્ટે ઠરાવ્યું કે જો નવા પુરાવાઓ મળી આવે તો પુરક ચાર્જશીટ દાખલ થયા પછી પણ પોલીસ તપાસ ચાલુ રાખી શકે છે. જજે કહ્યું કે મારા મતે રમખાણ કેસોની સરખામણી અન્ય ફોજદારી કેસો સાથે કરી શકાય નહિ. જેમાં પીડિત અને આરોપીની સ્પષ્ટ ઓળખ થઇ જતી હોય છે અને પોલીસે માત્ર આરોપીઓ સામેના પુરાવાઓ ભેગા કરવાના રહે છે. રતનલાલ હત્યા કેસના ૧૮ આરોપીઓમાંથી ૬ આરોપીઓએ અરજી દાખલ કરી કોર્ટ સમક્ષ માંગણી કરી હતી કે તપાસ અધિકારીને પૂછવામાં આવે કે એમના કેસની ચાર્જશીટ સંપૂર્ણ થઇ ગઈ છે કે હજુ તપાસ ચાલુ રહેવાની છે. આરોપીઓ તરફે હાજર રહેલ વકીલ પ્રાચાએ આક્ષેપો કર્યા કે તપાસ અધિકારીએ ૮મી જૂને ચાર્જશીટ દાખલ કરી છે અને બે પુરક ચાર્જશીટો પણ દાખલ કરી છે જેનાથી પહેલાની ચાર્જશીટની ક્ષતિઓ દૂર થઇ જાય. એમણે આક્ષેપો કર્યા કે તપાસ એજન્સી સંપૂર્ણપણે પક્ષપાતી અને પૂર્વગ્રહ રાખી તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસ તરફે હાજર રહેલ વકીલ અમિત પ્રસાદે કહ્યું કે કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી જેમાં આરોપી આ પ્રકારની અરજી દાખલ કરી શકે એ જાણવા માટે કે તપાસ પૂર્ણ થઇ છે કે નહીં. એમણે કહ્યું કે તપાસ એજન્સીનું તપાસ કરવાનો અધિકાર આ પ્રકારની અરજી દ્વારા અવરોધાઇ શકે નહીં. કાયદામાં કોઈ પ્રતિબંધ નથી કે તપાસ એજન્સી ચાર્જશીટ દાખલ કર્યા પછી તપાસ કરી શકે નહિ. બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા પછી કોર્ટે આરોપીઓની અરજી રદ્દ કરી હતી અને કહ્યું કે, રમખાણના કેસોમાં પહેલા પોલીસે સી.સી.ટી.વી.ના ફૂટેજ અથવા વીડિયો ફૂટેજ મેળવીને ઘટના સ્થળે હાજર રહેલ લોકોની ઓળખ કરવાની હોય છે અને એ કાર્ય મુશ્કેલ છે. એ માટે કોર્ટે દિલ્હી પોલીસની તરફેણમાં તપાસ ચાલુ રાખવા ચુકાદો આપ્યો.
Recent Comments