(એજન્સી)              તા.૨૬

ઉત્તર-પૂર્વ દિલ્હીમાં આવેલી ગોકુલપુરી ટાયર માર્કેટમાં ૨૪ ફેબ્રુઆરીએ આશરે સાડા આઠ વાગ્યે મોહમ્મદ સલીમ નામના એક વેપારીને કોલ આવ્યો હતો કે હિંસક ટોળાએ તેમની દુકાનને આગચંપી કરી દીધી છે.

જોકે અહીં મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આ ટાયર માર્કેટ ગોકુલપુરી પોલીસ સ્ટેશનની બાજુમાં જ આવેલી છે છતાં ૨૪, ૨૫ અને ૨૬ ફેબ્રુઆરી વચ્ચે સતત આ માર્કેટમાં આગચંપી કરાયાના ઘટનાઓ બની હતી. અહીં મોટાભાગે મુસ્લિમ વેપારીઓ સક્રિય છે જેના લીધે તેમની દુકાનોને જ ટારગેટ બનાવીને અહીં આગચંપી, તોડફોડ જેવી ઘટનાઓને અંજામ અપાયો હતો. આ માહિતી ખુદ ૧૬૧ નંબરની દુકાનના માલિક સલીમે આપી હતી. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણો દરમિયાન આશરે ૯૭ જેટલી દુકાનોને લૂંટી લેવામાં આવી, તેમાં તોડફોડ કરવામાં આવી અને તેના પછી આગચંપી જેવી ઘટનાઓને અંજામ અપાયો હતો અને તેમાં જ એક દુકાન ખુદ સલીમની પણ હતી. દુકાનોને આગચંપી કરતાં પહેલાં લાખો રૂપિયાનું સામાન લૂંટી લેવાયું હતું અને પછી તેને આગચંપી કરી દેવામાં આવી હતી. ૨૪ ફેબ્રુઆરીની સાંજે આશરે ૩ કલાક સુધી જ્વાળાઓ ઊડતી રહી હતી. સલીમ એ ઘટનાને યાદ કરતા કહે છે કે સતત બીજા દિવસે માર્કેટમાં આવેલી અન્ય દુકાનોને પણ આ જ રીતે લૂંટ્યા બાદ આગચંપી કરી દેવામાં આવી હતી. જોકે કેજરીવાલ સરકારે આ દરમિયાન મૃતકના પરિવારોને ૧૦ લાખ, કાયમી દિવ્યાંગ થયેલાને ૫ લાખ, સગીરને ઈજા પર ૨૦૦૦૦ તથા મકાનના સંપૂર્ણપણે નુકસાન પણ ૫ લાખની સહાયની જાહેરાત કરી હતી. જોકે હજુ સુધી આ યોજનાનું સંપૂર્ણપણે અમલ થયું નથી. કેમ કે મુશ્કેલી મોટાપાયે મુસ્લિમોને જ પડી રહી છે કેમ કે તેમની ફરિયાદો સ્વીકારાતી જ નથી અને પોલીસ પણ એફઆઈઆર નોંધતી નથી.