સમિતિના જણાવ્યા મુજબ, ‘જે પ્રકારના પુરાવા બહાર આવ્યા છે, તે જોતા દિલ્હી તોફાનોની તપાસમાં ફેસબૂકને સહઆરોપી બનાવવામાં આવવું જોઈએ’ ફેસબૂક પર આક્ષેપો લાગ્યા છે, એવામાં તેમના પ્રતિનિધિને તેમના પ્રશ્નોના જવાબ માટે બોલાવવામાં આવ્યા છે
(એજન્સી) તા.૧૨
હેટ સ્પીચના વિવાદ વચ્ચે, દિલ્હી વિધાનસભા શાંતિ અને સંપ સમિતિએ ફેસબૂક ભારતના ઉપરાષ્ટ્રપતિ અને મેનેજિંગ ડિરેક્ટર અજિત મોહનને સમન્સ પાઠવ્યું છે. સમિતિએ ફેસબૂકના વરિષ્ઠ અધિકારી મોહનને ૧૫ સપ્ટેમ્બરે હાજર થવા સમન્સ મોકલ્યું છે. આ સમિતિના અધ્યક્ષ રાઘવ ચઢ્ઢા છે. આ સમિતિ ફેસબૂક કેસની તપાસ કરી રહી છે. દિલ્હી તોફાનોના મામલામાં ફેસબૂકની ભૂમિકા અંગે પ્રશ્નો ઊભા થયા બાદ આ સમન્સ મોકલવામાં આવ્યું છે.
સમિતિના જણાવ્યા મુજબ, ‘જે પ્રકારના પુરાવા બહાર આવ્યા છે, તે જોતા દિલ્હી તોફાનોની તપાસમાં ફેસબૂકને સહઆરોપી બનાવવામાં આવું જોઈએ.’ ફેસબૂક પર આક્ષેપો લાગ્યા છે. એવામાં તેમના પ્રતિનિધિને તેમના પ્રશ્નોના જવાબ માટે બોલાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, ગત મહિને, દિલ્હી વિધાનસભાના શાંતિ અને સુમેળ સમિતિએ ફેસબૂકના અધિકારીઓ વિરૂદ્ધ નફરત ફેલાવનાર કન્ટેન્ટને ઇરાદાપૂર્વક અવગણા સંબંધિત ફરિયાદો અંગે એક બેઠક યોજી હતી. બેઠકમાં ત્રણ સાક્ષીઓ સમિતિ સમક્ષ હાજર થયા અને નિવેદન નોંધાવ્યા. દરમિયાન સમિતિના અધ્યક્ષ રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, એવું બહાર આવ્યું છે કે, ફેસબૂકના કેટલાક ઉચ્ચ અધિકારીઓ ભાજપના પક્ષમાં કામ કરી રહ્યા છે અને નફરત ફેલાવતો કન્ટેન્ટ તેમના પ્લેટફોર્મ પરથી જાણી જોઈને હટાવતા નથી.
બીજી બાજુ, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ ગત મહિને કહ્યું હતું કે, ‘ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતમાં ફેસબૂક અને વોટ્સએપ પર નિયંત્રણ રાખે છે. તેઓ તેમના દ્વારા નકલી સમાચાર અને નફરત ફેલાવે છે અને મતદારોને પ્રભાવિત કરવા માટે તેનો ઉપયોગ કરે છે. આખરે, અમેરિકન મીડિયા ફેસબૂક વિશેની સત્યતા સાથે સામે આવ્યું.’ તાજેતરમાં, ઇન્ફોર્મેશન ટેકનોલોજી બાબતોની સંસદીય સ્થાયી સમિતિએ પણ ફેસબૂક પરના આક્ષેપો વચ્ચે કંપનીના અધિકારીઓને સમન્સ પાઠવ્યા હતા. આ સમિતિના અધ્યક્ષ કોંગ્રેસ સાંસદ શશી થરૂર છે.
Recent Comments