(એજન્સી) તા.૨૨
ઉત્તરપૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણો મામલે તિહાર જેલમાં કેદ અને યુએપીએ એક્ટ હેઠળ કાર્યવાહીનો સામનો કરી રહેલી ૨૭ વર્ષીય વિદ્યાર્થીની ગુલફિશા ફાતિમાને મુક્ત કરવા ૪૦ જેટલા સંગઠનો, બિન સરકારી સંગઠનોએ માગણી કરી હતી. તમને જણાવી દઈએ કે ૯ એપ્રિલના રોજ ફાતિમાની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે જ દેશવ્યાપી પ્રથમ તબક્કાનું લૉકડાઉન ભારતભરમાં અમલી હતું અને ચારેકોર કોરોના વાઈરસની મહામારી હાહાકાર મચાવી રહી હતી. ૨૦૦ જેટલા કાર્યકરો અને વકીલોએ નિવેદન પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં કહ્યું હતું કે તેમની સામે અનલૉફૂલ એક્ટિવિટી (પ્રિવેન્શન) એક્ટ (યુએપીએ) હેઠળ કાર્યવાહી કરવી એ તદ્દન ખોટી છે. ઉલ્લેખનીય છે કે તેમણે સીએએ-એનઆરસી-એનપીઆર મામલે સરકારને મજબૂત રીતે પડકારી હતી અને શાંતિપૂર્ણ રીતે બંધારણનો બચાવ કર્યો હતો અને પ્રતિકાર કર્યો હતો.
નિવેદનમાં કહેવાયું હતું કે એવા પણ અહેવાલ મળ્યાં છે કે પોલીસ કસ્ટડીમાં તેમને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા પણ તેમના જામીનને અવારનવાર કોઈને કોઈ કારણ આપીને ફગાવી દેવામાં આવી રહ્યાં છે. નિવેદનમાં માગ કરવામાં આવી હતી કે તેમને તાત્કાલિક છોડી મૂકવામાં આવે અને તેમની સામેના આરોપોને હટાવવામાં આવે. તેમની સામે લાગેલા તમામ આરોપો જુઠ્ઠાં જ છે.