(એજન્સી) તા.૨૭
૨૨, ઓગસ્ટ શનિવારે પ્રકાશક બ્લૂમ્સબરી ઇન્ડિયાએ દિલ્હી રમખાણો પરના પુસ્તક ‘દિલ્હી રાયોટસ ૨૦૨૦ : ધ અનટોલ્ડ સ્ટોરી’નું પ્રકાશન કરવાનો ઇન્કાર કરી દીધો છે. ધ ક્વિન્ટ દ્વારા આ પુસ્તકના બ્લૂમ્સબરી ડ્રાફ્ટનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું અને એવું જણાયું છે કે આ પુસ્તક સત્યશોધક મિશન પર આધારીત હોવાની વાત તો દૂર રહી પરંતુ તેમાં સમર્થનવિહોણા દાવા અને ષડયંત્રની વાતો સાથે અનેક હકીકતલક્ષી ભૂલો છે.
પ્રથમ મુખ્ય ભૂલ પુસ્તકના ૨૦૦ શબ્દમાં જોવા મળે છે. પૂર્વ આઇપીએસ અધિકારી પી સી ડોગરાએ પોતાની પ્રસ્તાવનામાં જવાહરલાલ નહેરુનું ખોટું ઉચ્ચારણ ટાંકીને જણાવ્યું છે કે નહેરુ પોતાને સંસ્કૃતિ દ્વારા મુસ્લિમ કહેતાં હતાં અને માત્ર જન્મના અકસ્માત દ્વારા તેઓ હિંદુ હોવાનું જણાવતાં હતાં. વાસ્તવમાં આ પ્રકારની વાત નહેરુએ સ્વયં નહીં પરંતુ હિંદુ મહાસભાના નેતાએ નહેરુનો આવો ઉલ્લેખ કર્યો હતો.
આ પુસ્તકમાં ઘણી ગેરમાહિતી પણ છે. જેમ કે તેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે શાહીનબાગ ખાતે પાકિસ્તાન ઝીંદાબાદ એવા સૂત્રો પોકારવામાં આવ્યાં હતાં અને ૨૦૧૬માં જેએનયુ કેમ્પસ પર પણ ભારત વિરોધી સૂત્રો પોકારાયાં હતાં. પ્રથમ દાવાના સમર્થનમાં કોઇ પુરાવા નથી અને બીજો દાવો તપાસનો વિષય છે. સમગ્ર પુસ્તકમાં લેખકો એવી વાત રજૂ કરી રહ્યાં છે કે શાહીન બાગ વિરોધ મોડેલ મુસ્લિમોની અસુરક્ષાનો લાભ ઉઠાવી રહ્યું હતું કારણ કે કલમ ૩૭૦ની નાબૂદી અયોધ્યા ચુકાદો અને નાગરિકતા વિધેયકને બહાલિ જેવા સરકારના નિર્ણયોથી મુસ્લિમો અસુરક્ષા અનુભવી રહ્યાં છે.
આ ઉપરાંત પુસ્તકમાં એવી પણ દલીલ કરવામાં આવી છે કે નાગરિકતા સુધારા કાયદાને ભારતના મુસ્લિમો સાથે કોઇ નિસ્બત નથી પરંતુ આ દલીલ સાચી નથી. કાનૂની નિષ્ણાતોે સમજાવ્યું છે અને દલીલો પણ કરી છે કે સીએએ સાથે મુખ્ય સમસ્યા એ છે કે તે જેમની પાસે દસ્તાવેજો નથી એવા ત્રણ દેશોના બિનમુસ્લિમને ગેરકાયદે માઇગ્રન્ટની વ્યાખ્યામાંથી મુક્તિ આપવામાં આવી છે અને તેમને નાગરિકતા માટે અરજી કરવાની મંજૂરી આપે છે. જ્યારે આ ત્રણ દેશોના મુસ્લિમો આવી સ્થિતિમાં હોવા છતાં તેમને આવી તક નકારવામાં આવી છે અને તેઓને ગેરકાયદે માઇગ્રન્ટ્‌સ ગણાવવામાં આવે છે. આમ આ પુસ્તકમાં અનેક ઉડીને આંખે વળગે એવી ભૂલો છે. એનઆરસી અને એનપીઆર અંગે પણ ધ્યાનાકર્ષક ભૂલ છે.
(સૌ.ઃ ધ ક્વિટ.કોમ)