(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨
દિલ્હી પોલીસની સાયબર સેલે દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ ઝફરુલ ઇસ્લામ ખાન વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કર્યો છે. તેમની સામે આઇપીસીની ધારા ૧૨૪-એ અને ૧૫૩ અંતર્ગત ફરિયાદ દાખલ કરાઇ છે. તાજેતરમાં ઝફરુલ ઇસ્લામ ખાન વિરૂદ્ધ ટિ્‌વટર પર ભડકાઉ ટિ્‌વટ લખવાના આરોપ સાથે દિલ્હીના વસંતકુંજમાં ફરિયાદ દાખલ કરાઇ હતી જે બાદ તેમની સામે પગલાં લેવામાં આવ્યા છે. બીજી તરફ ઝફરુલ ઇસ્લામે આ અંગે નિવેદન આપ્યું છે કે, મને ખબર નથી કે મારી સામે ફરિયાદ દાખલ થઇ છે. હું ત્યારે જ કશું કહીશ જ્યારે તેને જોઉં અથવા તેના વિશે માહિતી મેળવું.
ગુરૂવારે ઝફરુલ ઇસ્લામે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માફી માગતા જણાવ્યું હતું કે, આ ટિ્‌વટ ખોટા સમયે અને અસંવેદનશીલ હતું તેથી ઘણા લોકોને તકલીફ થઇ છે પરંતુ તેમનો આ ઇરાદો ન હતો. અહેવાલમાં કહેવાયું છે કે, વસંતકુંજ પોલીસ સ્ટેશનમાં તેમની વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. આ ફરિયાદ આતંકવાદ વિરોધી સ્પેશિયલ સેલ પાસે ગઇ હતી જે પહેલા સફદરગંજના એપીસી પાસે આવી હતી. ઇસ્લામે મંગળવારે પોતાના ટિ્‌વટમાં જણાવ્યું હતું કે, મને સમજાયું છે કે, મારૂં ટિ્‌વટ ખોટા સમયે છે અને અસંવેદનશીલ છે જ્યારે આપણો દેશ મેડીકલ ઇમરજન્સીનો સામનો કરી રહ્યો છે અને છૂપા દુશ્મન સામે લડી રહ્યો છે. જે લોકોની લાગણી દુભાઇ હોય તેમની હું માફી માગું છું. ૨૮મી એપ્રિલે કરેલા ટિ્‌વટમાં તેમણે ઉત્તરપૂર્વ દિલ્હી હિંસાના સંદર્ભમાં ભારતીય મુસ્લિમોની હેરાનગતિને ધ્યાનમાં લેવા બદલ કુવૈત સરકારનો આભાર માન્યો હતો. જોકે, તેમણે કહ્યું કે આ ટિ્‌વટથી કેટલાક લોકોની લાગણી દુભાઇ છે પરંતુ આ તેમનો ઇરાદો ન હતો. ખાને કેટલાક મીડિયા હાઉસ પર સમાચારોને તોડી મરોડી અને બનાવટી રીતે રજૂ કરવાનો આરોપ પણ મુક્યો હતો. તેમણે એવું પણ કહ્યું હતું કે, આ સંદર્ભે સમાચાર ચેનલને કાયદેસરની નોટિસ ફટકારાઇ છે. તેમના ટિ્‌વટનો હવાલો આપતા ભાજપે દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ પદેથી ખાનને હટાવવાની માગ કરી હતી.

ડૉ.ઝફરૂલ ઈસ્લામખાન વિરૂદ્ધ રાજદ્રોહનો
આક્ષેપ તેમને ધમકાવવાનો પ્રયત્ન છે : કર્મશીલો

(એજન્સી) તા.ર
દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ ડૉ.ઝફરૂલ ઈસ્લામખાન (૭ર) વિશ્વના જાણીતા સ્કોલર, પત્રકાર અને નાગરિક અધિકાર કર્મશીલ છે. તે આઈએસઆઈએસ સામે અવાજ ઉઠાવનાર પ્રથમ મુસ્લિમ વિદ્ધાનોમાંથી એક છે. ઈસ્લામ અને આરબ જગતના વિદ્ધાન તરીકે તેમનો અભિપ્રાય અને વિશ્લેષણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. ફેબ્રુઆરી ર૦ર૦માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા મુસ્લિમ વિરોધી રમખાણો દરમિયાન ડૉ.ઝફરૂલ ઈસ્લામખાન અને તેમની ડીએમસીની ટીમ સૌથી પહેલાં પીડિતોની વ્હારે આવી હતી. હિન્દુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ મુજબ સોશિયલ મીડિયા પોસ્ટમાં કથિત ઉશ્કેરણીજનક ટિપ્પણી બદલ ડૉ.ખાન સામે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. ડૉ.ખાન બંધારણીય પદ ધરાવતા સૌથી બુઝુર્ગ મુસ્લિમ છે જેમના વિરૂદ્ધ આઈપીસીની ધારા ૧ર૪-એ (રાજદ્રોહ) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ડૉ.ખાન વિરૂદ્ધ થયેલી આ પોલીસ કાર્યવાહીની દેશભરમાં ટીકા કરવામાં આવી હતી. કર્મશીલોનું કહેવું છે કે, પ્રરછન્ન હેતુઓ ધરાવતા રાજકારણીઓ અને નફરત ફેલાવતા ન્યૂઝ ચેનલોના એન્કરો દ્વારા ડૉ.ખાનને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યા છે જેમણે ઈરાદાપૂર્વક તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કર્યું હતું અને તેમને હિન્દુ વિરોધી અને ભારત વિરોધી ગણાવ્યા હતા. ભારતીય કર્મશીલોનું કહેવું છે કે, ડૉ.ખાને જે વાત કરી છે તે પહેલાંથી જ ઘણા અભ્યાસોમાં કહેવામાં આવી છે અને વિશ્વભરના માનવાધિકાર કર્મશીલોનું પણ આ જ કહેવું છે કે, યુરોપિયન સરકારો, અમેરિકા, યુનાઈટેડ નેશન્સનું માનવાધિકાર પંચ વારંવાર ભારતમાં ધાર્મિક લઘુમતીઓ સાથે વધતા જતાં માનવાધિકારોના ઉલ્લંઘન અને હિંસા સામે ચિંતા વ્યક્ત કરી ચૂકયા છે. ડૉ.ખાનને દાયકાઓથી ઓળખતા એક વરિષ્ઠ પત્રકાર અને કર્મશીલોનું કહેવું છે કે, આ શરમજનક બાબત છે કે સરકાર દિલ્હી લઘુમતી પંચના ચેરમેન ડૉ.ઝફરૂલ ઈસ્લામખાનને લક્ષ્યાંક બનાવી રહી છે. દિલ્હી લઘુમતી પંચના પૂર્વ સભ્ય એસી મિશેલનું કહેવું છે કે, અમે કયારેય કોઈ રાજકીય દબાણનો સામનો કર્યો ન હતો. પંચના સભ્ય તરીકે જ્યારે અમે અમારી બંધારણીય ફરજ બજાવતા હતા ત્યારે અમારા પર કોઈ રાજકીય ભય ન હતો. દિલ્હી લઘુમતી પંચના ચેરમેન સામે આ પ્રકારની કાર્યવાહી પહેલાં કયારેય કરવામાં આવી નથી.