(એજન્સી) નવી દિલ્હી, તા.૯
દિલ્હી લઘુમતી પંચે દિલ્હી સરકારની નોકરીઓમાં લઘુમતીઓનું પ્રતિનિધિત્વ ઘણું જ ઓછું હોવાની નોંધ લેતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કહ્યું હતું કે દિલ્હી સરકારની સેવાઓ, બોર્ડ અને કોર્પોરેશનોમાં લઘુમતીઓને ૧પ ટકા અને તેમાંથી ૧૦ ટકા મુસ્લિમોને અનામત આપવામાં આવે. ગયા વર્ષે ર૦ માર્ચના રોજ એક પત્રના સ્વરૂપમાં મુખ્યમંત્રી સમક્ષ આ ભલામણ કરવામાં આવી હતી. જો કે દિલ્હીના મુખ્યમંત્રીએ હજી સુધી આ પત્રનો જવાબ આપ્યો નથી. નોંધનીય છે કે વર્ષ ર૦૦૭માં આવેલા જસ્ટિસ (નિવૃત્ત) રંગનાથ મિશ્રા કમિશનના અહેવાલને આધારે આ ભલામણ કરવામાં આવી હતી. આ દરમ્યાન દિલ્હી લઘુમતી પંચે સોમવારે વર્ષ ર૦૧૮-૧૯ના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું હતું કે દિલ્હી સરકારની નોકરીઓમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ બે ટકાથી પણ ઓછું છે. લઘુમતી પંચના ચેરમેન ડો.ઝફરૂલ ઈસ્લામ ખાન દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં આ પણ કહેવામાં આવ્યુંહ તું કે અનેક સરકારી વિભાગો અને સાહસોમાં તો મુસ્લિમોનું પ્રતિનિધિત્વ બિલકુલ નથી. જ્યારે ર૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે દિલ્હીમાં મુસ્લિમોની વસ્તી ર૦ ટકાની આસપાસ છે. આ રિપોર્ટ જાહેર કર્યા પછી પત્રકારો સાથે વાત કરતાં ડો.ખાને કહ્યું હતું કે દિલ્હી સરકારની નોકરીઓમાં મુસ્લિમોના ખૂબ જ ઓછા પ્રતિનિધિત્વની નોંધ લીધા પછી તેમણે ગયા વર્ષે ર૦ માર્ચે મુખ્યમંત્રી કેજરીવાલને પત્ર લખી દિલ્હી સરકારની નોકરીઓમાં લઘુમતીઓ માટે ૧પ ટકા અનામતની માંગણી કરવામાં આવી હતી. જેમાં મુસ્લિમો માટે ૧૦ ટકા અનામતની માંગણી કરવામાં આવી હતી. પરંતુ મુખ્યમંત્રીએ હજી સુધી કોઈ જવાબ આપ્યો ન હતો. આ પત્રમાં ડો.ખાને દિલ્હી લઘુમતી પંચનો વાર્ષિક રિપોર્ટ પણ જોડ્યું હતું. તેમણે કહ્યું હતું કે યુ.પી.એ.ના પ્રથમ કાર્યકાળમાં સચર કમિટીએ દેશમાં મુસ્લિમોની સ્થિતિ અંગે અહેવાલ આપ્યો હતો. ર૦૦૬ના સચર કમિટીના અહેવાલના આધારે યુ.પી.એ.-રએ જસ્ટિસ (નિવૃત્ત) રંગનાથ મિશ્રા પંચની નિમણૂંક કરી હતી. આ પંચે મુસ્લિમ સમુદાય માટે ૧૦ ટકા અનામત સહિત લઘુમતીઓ માટે ૧પ ટકા અનામતની ભલામણ કરી હતી. ડો.ખાને પત્રમાં આગળ કહ્યું હતું કે પરંતુ મે ર૦૦૭માં રજૂ કરવામાં આવેલા મિશ્રા કમિશનના રિપોર્ટને યુ.પી.એ.-ર સરકારે કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધો હતો.