(એજન્સી)
નવી દિલ્હી , તા.૧૨
દેશમાં કોરોના કેસો ભલે ઓછા આવી રહ્યા હોય પરંતુ દેશની રાજધાની દિલ્હીમાં કોરોના કેસો એક પછી એક રેકોર્ડ તોડી રહ્યા છે. દિલ્હીમાં કોરોના એક દિવસમાં આઠ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. હાલમાં કોરોનાના વધતા કેસો વચ્ચે હોસ્પિટલોમાં કોરોના બેડની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે. જ્યારે કોરોનાના બધા દર્દીઓને આઈસીયુ બેડ અને વેેન્ટિલેટરની જરૂર પડે છે. આ મામલે દિલ્હી હાઈકોર્ટે રાજ્ય સરકારોને મોટી રાહત આપી છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યુ કે, દિલ્હી સરકાર ૩૩ ખાનગી હોસ્પિટલોમાં ૮૦ ટકા આઈસીયુ બેડ કોરોના દર્દીઓ માટે અનામત રાખી શકે છે. કોરોનાના વધતા કેસ વચ્ચે રાજધાનીમાં મોટા ભાગનાં કોરોના હોસ્પિટલોમાં બેડની સંખ્યા ખૂૂૂબજ ઓછી થઈ ગઈ છે. કેટલાંક હોસ્પિટલોમાં આ સંખ્યા એક સુધી જ રહી ગઈ છે. હાઈકોર્ટે ૮૦ ટકા આઈસીયુ બેડ અનામત કરવા દિલ્હી સરકારને જાહેરનામાને અસર કરવા મંજૂરી આપી હતી. જોકે તેઓ ૨૬ નવેમ્બરે આગળ કેસની સુનાવણી કરશે. આ નિર્ણયના દાયરામાં મેક્સ, ગંગારામ અને ફોર્ટિસ જેવા મોટા હોસ્પિટલ આવશે. આગળની સુનાવણીમાં સ્થિતીની સમીક્ષા કરશે. દિલ્હીમાં વેન્ટિલેટર સાથે આઈસીયૂ બેડની સંખ્યા હાલ ૧૨૮૩ છે. રાજધાનીમાં કોરોનાની ત્રીજી લહેરની સાથે નવા દર્દીઓની સંખ્યા આઠ હજારની નજીક રહી છે. હાઈકોર્ટે કહ્યું કે, હાલત ઝડપથી બદલાઈ રહ્યા છે અને આપ પાર્ટી આનાથી નીપટવા પુરજોર પ્રયાસ કરશે. દિલ્હીની હોસ્પિટલોમાં મોટાભાગના આઈસીયૂ બેડ ભરાઈ ગયા છે જ્યારે કેટલાંક હોસ્પિટલોમાં કોરોના દર્દી માટે માત્ર એક આઈસીયૂ બેડ ઉપ્લબ્ધ છે. આંકડાઓ મુજબ રાજધાનીમાં ૧૨૮૩ આઈસીયૂ બેડમાંથી ૧૧૧૯ બેડો ભરાઈ ગયા છે. જ્યારે ૧૬૪ આઈસીયૂ બેડ ખાલી રહ્યા છે. સરકારી હોસ્પિટલોમાં ૮૦૯ વેન્ટિલેટર આઈસીયૂ બેડ છે જેમાંથી ૯૯ ખાલી છે, ખાનગી હોસ્પિટલોમાં ૪૭૪ આઈસીયૂ બેડ છે જેમાંથી ૬૫ ખાલી છે.