(એજન્સી) તા.૧૧
દિલ્હી સરકારે શનિવારે નિર્ણય કર્યો હતો કે કોરોના વાયરસ મહામારીના કારણે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત બધી યુનિવર્સિટીઓની પરીક્ષાઓ રદ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે યુનિવર્સિટીઓ દ્વારા નક્કી કરવામાં આવેલા મૂલ્યાંકનના માપદંડોના આધારે વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. સિસોદિયાએ કહ્યું હતું કે મહામારી દ્વારા ઊભા થયેલા બધા મોટા અવરોધોને ધ્યાનમાં રાખી દિલ્હી સરકારે બધી સ્ટેટ યુનિવર્સટિઓની પરીક્ષા રદ કરવાનું નક્કી કર્યું છે. તેમણે આ પણ કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીને પત્ર લખી કેન્દ્ર સરકાર સંચાલિત યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ આ પ્રકારનો નિર્ણય લાગુ કરવા વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે સોમવારે સાંજે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ અંતિમ વર્ષની યુનિવર્સિટી પરીક્ષાઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી હતી. આ નવી માર્ગદર્શિકા મુજબ અંતિમ વર્ષની યુનિવર્સિટી પરીક્ષાઓ સપ્ટેમ્બર ર૦ર૦ના અંત સુધીમાં યોજી શકાશે.