(એજન્સી) નવી દિલ્હી,તા.૨
દિલ્હીની કોર્ટે બે મુસ્લિમ યુવકોના જામીન મંજૂર કર્યા હતા. ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં થયેલ રમખાણો જેમાં ૫૦થી વધુ વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતાં, જેમાં મોટા ભાગના મુસ્લિમો હતા, એ કેસ સંદર્ભે આરોપીઓના જામીન મંજૂર કરાયા હતા. વધારાના સેશન્સ જજ વિનોદ યાદવે રમખાણો દરમિયાન દયાલપુર વિસ્તારમાં એક કારના શો રૂમને આગ ચાંપવાના કેસમાં કાસિફ અને વાસિફના જામીન મંજૂર કર્યા હતા. જજે બંનેને ૨૦-૨૦ હજારના જામીન આપવા જણાવ્યું હતું. જજે નોંધ્યું હતું કે ચાર સહ આરોપીઓને ચાર્જશીટ દાખલ થતાં પહેલા જ જામીન અપાયા હતા અને અન્ય ૬ આરોપીઓએ છેલ્લા બે મહિનાઓમાં જામીન મેળવ્યા હતા.
જજે ૨૪મી ડિસેમ્બરે જામીન માટે આદેશ આપતા જણાવ્યું કે, ‘‘આ કોર્ટ એ હકીકતથી વાકેફ છે કે અરજદારો (વાસિફ અને કાસિફ) રમખાણોના અન્ય કેસોમાં પણ સંકળાયેલ છે, જોકે આના આધારે એમને આ કેસમાં જામીન આપવા ઇનકાર કરી શકાય નહિ. હાલની જામીન અરજી દાખલ થયેલ એફ.આઈ.આર.ના તથ્યો અને તપાસના આધારે નિર્ણિત કરવી જોઈએ. આથી, મારા મંતવ્ય મુજબ અરજદારો સમાનતાના આધારે પણ જામીન મેળવવા અધિકાર ધરાવે છે કારણ કે જે કૃત્ય એમણે આચર્યું હતું એ જ પ્રકારનું કૃત્ય અન્ય સહ-આરોપીઓએ પણ આચર્યું હતું. કેસની સ્થિતિ અને સંજોગોને સંપૂર્ણપણે ધ્યાનમાં લેતા બંને આરોપીઓ વાસિફ અને કાસિફના આ મામલમાં જામીન મંજૂર કરવામાં આવે છે. બંને આરોપીઓ તરફે હાજર રહેલ વકીલ નાસીર અલીએ રજૂઆત કરી હતી કે બંનેને ખોટી રીતે આ મામલામાં સંડોવવામાં આવ્યું છે અને એમણે સમાનતાના આધારે જામીનની માંગણી કરી હતી. સ્પે. સરકારી વકીલ ડી.કે. ભાટિયાએ પોલીસ તરફે જામીનનો વિરોધ કરતા કહ્યું હતું કે બંને આરોપીઓ રમખાણોના અનેક કેસોમાં સંડોવાયેલ છે અને જો જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો તેઓ સાક્ષીઓને ધમકીઓ આપી શકે છે.
Recent Comments