(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
ભાજપના નેતાઓના ઉશ્કેરણીજનક ભાષણોને લઇને તેમની સામે ફોજદારી કેસ નોંધવા અને દિલ્હીમાં ફાટી નિકળેલા કોમી તોફાનોને ડામવામાં નિષ્ફળતા બદલ ગઇકાલે બુધવારે જ દિલ્હી પોલીસને ફટકાર લગાવી ગુરૂવારે તેનો જવાબ આપવાનો આદેશ કરનાર દિલ્હી હાઇકોર્ટના જસ્ટીસ એસ. મુરલીધરની ગઇકાલે જ રાતોરાત બદલી કરી દેવાતા કાયદાકિય અને રાજકિય ક્ષેત્રે તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. જો કે કાયદામંત્રી રવિશંકરપ્રસાદે તેને વહીવટી પ્રક્રિયા અને સુપ્રિમ કોર્ટના કોલેજીયમ (જજોની સમિતિ)ની ૧૨ ફેબ્રુઆરીના રોજ કરાયેલી ભલામણના આધારે તેમની બદલી કરવામાં આવી હોવાનો બચાવ કર્યો હતો. શું હિંસા ભડકાવનારાઓ પર તાત્કાલિક એફઆઈઆર નોંધવાની જરૂર નથી ? હિંસા રોકાવા માટે તાત્કાલિક પગલા ભરવાની જરૂર છે. અમે દિલ્હીમાં ૧૯૮૪ જેવી સ્થિતિ બનવા દઈશું નહિ,એવું અવલોકન જજ દ્વારા કરવામાં આવ્યું હતું અને ભાજપ નેતા કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માની વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. તોફાનગ્રસ્ત વિસ્તારમાંથી પોલીસ પહેરા હેઠળ ઇજાગ્રસ્ત દર્દીઓને એમ્બ્યુલન્સમાં લઇ જવા માનવતાને ધ્યાનમાં રાખીને અડધીરાત્રે આદેશ પણ આ જ જજે આપ્યો હતો.
જો કે ભાજપના એક નેતા કપિલ મિશ્રાના ભાષણનો વિડિયો કોર્ટમાં દર્શાવી દિલ્હી પોલીસને તેમની ફરજ યાદ કરાવીને શરમજનક અને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી નેતાઓ સામે ત્વરિત એફઆઇઆરના પગલા લેવા જણાવનાર આ જજની એકાએક બદલીનો સમય એટલે કે ટાઇમિંગને લઇને કેન્દ્ર સરકારની ટીકાઓ પણ થઇ રહી હતી. આ જજને પંજાબ-હરિયાણા હાઇકોર્ટના જજ તરીકે મૂકવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકારે બુધવારે રાતે આ અંગેનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ પહેલા ગઇકાલે જસ્ટિસ મુરલીધરને ૩ કલાક સુધી ચાલેલી સુનાવણી દરમિયાન પોલીસ કમિશ્નરને ભડકાઉ ભાષણોના તમામ વીડિયો બતાવવા અને એફઆઈઆર નોંધવાનો આદેશ કર્યો હતો. આ કેસ હવે ચીફ જસ્ટિસ ડી એન પટેલની કોર્ટમાં તબદીલ કરવામાં આવ્યો છે. જેની આજે નિકળેલી સુનાવણીમાં કોર્ટે એફઆઇઆર અંગે નિર્ણય લેવા કેન્દ્રને ૪ સપ્તાહનો સમય આપ્યો હતો. આ ઉપરાંત તેમણે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસા અને ભડકાઉ નિવેદનબાજી કરનારા નેતાઓની વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે પોલીસને સવાલ કર્યો હતો કે શું હિંસા ભડકાવનારાઓની વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવાની જરૂર નથી? હિંસાને રોકવાની જરૂર છે. અમે દિલ્હીમાં ૧૯૮૪ જેવી સ્થિતિ બનવા દઈશું નહીં. તેથી જે ઝેડ સિક્યોરિટી વાળા નેતા છે તે લોકોની વચ્ચે જાય અને તેમને સમજાવે. દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરની ટ્રાન્સફર થતાં રાજકારણ ગરમાયું છે. સરકાર દ્વારા કરાયેલી બદલી સામે કોંગ્રેસ લાલઘૂમ થઈ છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ભાજપના નેતાઓને છાવરવા માટે ન્યાયાધીશની બદલી કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટિ્‌વટ કર્યું હતું કે, હું બહાદુર ન્યાયાધીશ લોયાને યાદ કરું છું, જેની બદલી કરવામાં નહોતી આવી. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે ભાજપના બદલાના રાજકારણનો ચહેરો ઉઘાડો પડી ગયો છે. દિલ્હીમાં જે બની રહ્યું છે તેનાથી ભાજપની ખરી છબી ઉજાગર થઈ છે. એવું લાગે છે કે દેશમાં જે લોકો સાચો ન્યાય કરી રહ્યા છે તેમને હવે છોડવામાં નહીં આવે. જજ એસ મુરલીધરની બદલી અંગે રોષ વ્યક્ત કરતા સુરજેવાલાએ કહ્યું કે દિલ્હી હિંસા કેસમાં ભાજપના નેતાઓને છાવરવા માટે કેન્દ્ર દ્વારા જજની રાતોરાત બદલી કરી દેવાઈ છે.