(એજન્સી)
નવી દિલ્હી,તા.૧૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરી કરાયેલ એક ટિપ્પણી વિરુદ્ધ દાખલ થયેલ માનહાનિના કેસમાં દિલ્હી હાઇકોર્ટે કોંગ્રેસ નેતા અને સાંસદ શશી થરુરને રાહત આપી છે. નીચલી કોર્ટ દ્વારા જારી કરાયેલ સમન્સને પડકારતી અરજી પર જજ સુરેશ કૈતની બેન્ચે થરુર સામે ગુનાહિત કાર્યવાહી પર સ્ટે આપ્યો છે. બેન્ચે એ સાથે ફરિયાદી ભાજપ નેતા રાજીવ બબ્બર પાસેથી જવાબ માંગ્યો છે. અરજીની આગામી સુનાવણી ૯મી ડિસેમ્બરે થશે.
શશી થરુર તરફે હાજર રહેલ વકીલ કપિલ સિબ્બલ અને વકીલ વિકાસ પાહવાએ નીચલી કોર્ટના ૨૭ એપ્રિલ ૨૦૧૯ના આદેશને રદ્દ કરવા માંગણી કરી હતી. જે હેઠળ શશી થરુરને ગુનાહિત માનહાનિના કેસમાં એમને આરોપી તરીકે હાજર રહેવા જણાવાયું હતું. વકીલ ગૌરવ ગુપ્તા દ્વારા દાખલ કરાયેલ અરજીમાં ૨જી નવેમ્બર ૨૦૧૮માં દાખલ થયેલ ફરિયાદને પણ રદ્દ કરવા માંગણી કરી હતી. પાહવાએ દલીલ કરી હતી કે નીચલી કોર્ટનો આદેશ કાયદાની દૃષ્ટિએ ખરું નથી અને અપરાધિક ન્યાયશાસ્ત્રના સ્થાપિત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. નીચલી કોર્ટે આ હકીકતને સંપૂર્ણપણે અવગણ્યું છે કે બબ્બર દ્વારા કરાયેલ ફરિયાદ સંપૂર્ણપણે ખોટી અને તુચ્છ છે. રાજીવ બબ્બર દ્વારા નીચલી કોર્ટમાં થરુરની વિરુદ્ધ ગુનાહિત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. રાજીવ બબ્બરે દાવો કર્યો હતો કે શશી થરૂરના નિવેદનથી એમની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. ઓક્ટોબર ૨૦૧૮માં થરૂરે પોતાના એક નિવેદનમાં દાવો કર્યો હતો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક અજ્ઞાત વ્યક્તિએ કથિતરૂપે વડાપ્રધાન મોદીની સરખામણી શિવ લિંગ પર બેઠેલ વીંછી સાથે કરી હતી, થરુરને આ મામલે જૂન ૨૦૧૯માં નીચલી કોર્ટ દ્વારા જામીન મળ્યા હતા. રાજીવ બબ્બરે કહ્યું હતું કે તેઓ ભગવાન શિવના ભક્ત છે અને ઉપરોક્ત નિવેદન આપી થરૂરે કરોડો શિવ ભક્તોની લાગણીઓ દુભાવી છે.