(એજન્સી) તા.૧૧
દિલ્હીની પોલીસે ઉત્તર પૂર્વ દિલ્હીમાં હિંસા વખતે જે સ્કૂલને આગચંપી કરવામાં આવી હતી તેને સીલ મારી દીધો છે અને તેના માલિકની ધરપકડ પણ કરી લીધી છે. આ પ્રાથમિક સ્કૂલના માલિક સામે હિંસા અને રમખાણોમાં સામેલ હોવાનો આરોપ મૂકાયો છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં ફાટી નીકળેલી આ હિંસામાં આશરે પ૩ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે અને ૪૦૦થી વધુ લોકો ઘવાયા હતા.
ર૪ ફેબ્રુઆરીના રોજ રમખાણકારોએ રાજધાની પબ્લિક સિનિયર સેકન્ડરી સ્કુલ, શિવ વિહાર પર કબજો જમાવી લીધો હતો અને તેમાં ઘૂસીને અનેક ક્લાસરુમની તોડફોડ પણ કરી હતી. સ્કૂલના પ્રિન્સિપાલનું નામ સદફ ફૈસલ છે. તે કહે છે કે શુક્રવારની સાંજે દિલ્હી પોલીસના ક્રાઇમ બ્રાન્ચ શાખાના અધિકારીઓ આવ્યા હતા અને તેમણે સ્કૂલને સીલ મારી દીધો હતો. તે કહે છે કે ક્રાઈમ બ્રાન્ચના બે અધિકારીઓ અમારી સ્કૂલની મુલાકાતે આવ્યા હતા અને આ માટે તેમણે અમને કોઇપણ પ્રકારની નોટિસ પણ આપી નહોતી. તેઓએ અમારી સ્કૂલના ૧૬ ક્લાસરુમને સીલ મારી દીધો અને મેન ગેટ ઉપર પણ સીલ મારી દીધો હતો. જોકે અમને હજી સુધી એ પણ જણાવાયું નથી કે કયા કારણોસર અમારી સ્કૂલને આ સીલ મારી દેવાયો છે.
ફૈસલ કહે છે કે દિલ્હી પોલીસે મારા પતિની પણ ધરપકડ કરી લીધી હતી કેમ કે તે સ્કૂલના માલિક છે. તેમનું નામ ફૈસલ ફારુખ છે. શનિવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. અમને કેમ દંડિત કરવામાં આવી રહ્યાં છે તે અમને સમજાતું જ નથી? અમે આખા જીવન દરમિયાન શિક્ષણ ક્ષેત્રમાં ફરજ બજાવતા આવ્યા છીએ. મને એ સમજાતું નથી કે પોલીસવાળા શા માટે અમને બદનામ કરી રહ્યાં છે અને અમને ફસાવી રહ્યાં છે. અમારું નામ કે મારા પતિનું નામ શા માટે રમખાણોમાં સાંકળી દેવાયું તે અમને સમજાતું જ નથી.