(એજન્સી) તા.૧૧
ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયા દરમિયાન ઉત્તર-પૂર્વ દિલ્હીમાં એક દંપતીએ હિંસામાં પોતાના બાળકને ગુમાવી દીધું હતું. આ દરમિયાન આ હિંસાને જ્યારે ૧૦ દિવસ વીતી ચૂક્યા છે ત્યારે મમતા સિંહને લાગી જ નથી રહ્યું કે તેમનો દીકરો હવે આ દુનિયામાં નથી. તેમના દીકરાની વય હજુ તો ર૩ જ વર્ષ હતી અને તે પણ આ હિંસાની ભેટ ચઢી ગયો. શનિવારે બપોરના સમયે ૪૯ વર્ષીય મહિલા પોતાના ઘરની બહાર આવી અને વૃજપુરીમાં તે આંગણામાં બેસી ગયા. તેમના ઘરની બહાર મોદી-શાહના ચહેરાવાળા ભાજપના પોસ્ટરો પણ લાગેલા છે. તેની સાથે સ્થાનિક ધારાસભ્ય જગદીશ પ્રધાનનો પણ ચહેરો જોવા મળી જાય છે. મમતા ત્યારે કહે છે કે રપ ફેબ્રુઆરી પછી મને પહેલીવાર એવું લાગ્યું કે રમખાણોમાં મારો દીકરો પણ મેંં ગુમાવી દીધો છે. તેમના દીકરાનું નામ મનીષ હતું. મીડિયાએ તેનું નામ રાહુલ ચલાવ્યું હતું પણ તેનું સાચું નામ મનીષ હતુું. આ દરમિયાન મમતા કહે છે કે આ સાચી વાત છે કે મારો દીકરો હવે આ દુનિયામાં નથી પરંતુ તેની મોત માટે મુસ્લિમો જવાબદાર છે એ સાચું નથી. હું મુસ્લિમો પર આરોપ મૂકતી જ નથી. મમતા કહે છે કે મારા દીકરાના મોત માટે કોણ જવાબદાર છે? એ બધા જ જાણે છે. હું નથી જાણતી કે મારા દીકરાને કોણે ગોળી મારી? મેં જોયું જ નથી કે કોણે તેને ગોળી મારી હતી તો પછી હું કેવી રીતે મુસ્લિમોને તેની હત્યા માટે જવાબદાર ઠેરવી દઉં. ભીડમાંથી ગોળી ચલાવનારા લોકોને પણ અમે ઓળખતા નથી. જોકે તેમના આ જવાબ પર સોશિયલ મીડિયા પર અનેક લોકોએ મમતાની ભારે પ્રશંસા કરી હતી જેણે પોતાના દીકરાને ગુમાવ્યો હોવા છતાં રમખાણકારોના મોઢે જડબાતોડ તમાચા સમાન જવાબ આપ્યો હતો. હફિંગ્ટન પોસ્ટ સાથેની વાતચીતમાં મમતા અને તેમના પતિ દિલીપ સિંહે સ્પષ્ટ કહ્યું હતું કે અમે નફરતની રાજનીતિને નકારીએ છીએ. અમારા દીકરાના મોત પર રાજનીતિ ના કરશો.