(એજન્સી) તા.૭
દિલ્હીના ઉત્તર-પૂર્વમાં ૨૩થી ૨૬ ફેબ્રુઆરી વચ્ચે ફાટી નીકળેલી હિંસા મામલે કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અંતર આત્માથી જ દુઃખી જણાઈ રહ્યા છે. કારણ કે મોટાભાગના આરોપો દિલ્હી પોલીસની નિષ્ફળતા પર જ લાગ્યા છે. આ દરમિયાન ધ ક્વિન્ટે અમુક પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને જાણવા પ્રયાસ કર્યો હતો કે કેમ દિલ્હી પોલીસ આ હિંસાને કાબૂ કરવામાં નિષ્ફળ રહી.
પૂર્વ પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકને ફક્ત દિલ્હી હિંસાને કારણે જ યાદ રાખવામાં નહીં આવે પરંતુ તેમણે દિલ્હી પોલીસની છબિ પણ યુપીની પોલીસ જેવી કરી નાખી તેના માટે તેમને યાદ રખાશે. હવે તેનાથી પણ ખરાબ દશા છે દિલ્હી પોલીસની શહેરમાં ૨૦૦૫માં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા, નિર્ભયા જેવો કાંડ સર્જાઈ ગયો છતાં લોકોએ દિલ્હી પોલીસમાં વિશ્વાસ ગુમાવ્યો નહોતો પરંતુ હવે દિલ્હીની હિંસાને કારણે લોકોના વિચાર બદલાયા છે.
દિલ્હી પોલીસના કમિશનર અજય રાજ શર્માએ કહ્યું હતું કે, દિલ્હી પોલીસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી એના કારણે જ દિલ્હીમાં વધુ દિવસો સુધી હિંસાનો દોર ચાલ્યો હતો. કપિલ મિશ્રા અને પ્રવેશ વર્માના ઉશ્કેરણીજનક ભાષણોને લીધે લોકો ઉશ્કેરાયા. પરંતુ પોલીસ તેમની વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી. જ્યારે હિંસા ભડકી ત્યારે શરૂઆતમાં જ પોલીસે આવા લોકોની ધરપકડ કરી લેવાની જરૂર હતી.
કેમ દિલ્હી પોલીસને હિંસાની જાણ મોડેથી થઈ ? શું તમારે પાસે મેનપાવર નથી ? આ સવાલ પર તે કહે છે કે દિલ્હી પોલીસે આ મામલે કાર્યવાહી જ ના કરી એટલે હિંસા વધુ વકરી હતી. આપણે બધા જાણીએ છીએ કે એસએચઓ કેટલા શક્તિશાળી છે. આ તેમની પ્રાથમિક ફરજ હતી કે તેઓ કાયદો વ્યવસ્થા જાળવે. પોલીસના તમામ સ્તરના લોકો ચૂપ બેઠા રહ્યા. કોઈએ આદેશ ન આપ્યો કે હિંસાને કાબૂ કરવામાં આવે. શા માટે ઉત્તરપૂર્વ દિલ્હીના વરિષ્ઠ અધિકારીઓએ પણ હિંસા પર કાબૂ કરવા આદેશ ન આપ્યા? ૧૦૫૦ જેટલા પોલીસ કર્મચારીઓને હિંસાની જાણ હતી છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. કોઈ અધિકારીએ આદેશ ન આપ્યા એના કારણે હિંસા ભડકી.