(એજન્સી) તા.૬
દિલ્હી લઘુમતી પંચનો રિપોર્ટ આવી ગયો છે. ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણો અંગે દિલ્હી લઘુમતી પંચના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે હજારો લોકો યુપી અને હરિયાણામાં પોતાના પૈતૃક ગામમાં જતા રહ્યાં છે અને હિંસા એક તરફી અને સુનિયોજિત હતી. આ રિપોર્ટ દિલ્હી લઘુમતી પંચ(ડીએમસી)ના અધ્યક્ષ જફરુલ ઈસ્લામ ખાન અને સભ્ય કરતાર સિંહ કોચ્ચરના હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત પર આધારિત છે.
દિલ્હી લઘુમતી પંચના રિપોર્ટમાં દાવો કરાયો છે કે હિંસા એકતરફી અને સુનિયોજિત હતી જેમાં સૌથી વધુ નુકસાન મુસ્લિમોના મકાનો અને દુકાનોને થયું હતું. તે ઉપરાંત હજારો લોકો વિસ્તારમાંથી ખસી ગયા છે અને તેઓ યુપી તથા હરિયાણામાં પોતાના પૈતૃક ગામ જતા રહ્યાં કે દિલ્હીમાં ક્યાંક બીજા સ્થાને પરિજનો સાથે રહી રહ્યાં છે. સેંકડો લોકો સમુદાય દ્વારા ચલાવાતા શિબિરોમાં રહી રહ્યાં છે. કેટલાક લોકો દિલ્હી સરકાર દ્વારા સંચાલિત કેમ્પોમાં પણ રહી રહ્યાં છે.
ખાને કહ્યું કે પંચની ટીમ ઉત્તરપૂર્વ દિલ્હીના અનેક વિસ્તારોમાં ગઈ હતી અને તેણે નોંધ્યું કે મકાનો, દુકાનો, સ્કૂલો અને વાહનોને વ્યાપક નુકસાન થયું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે અમારું આકલન છે કે દિલ્હીના ઉત્તર-પૂર્વ જિલ્લામાં હિંસા એકતરફી અને સુનિયોજિત હતી જેમાં મહત્તમ નુકસાન મુસ્લિમોના મકાનોને જ થયું છે.
આ રિપોર્ટ મુજબ વ્યાપક સ્તરે મદદ વિના આ લોકો તેમનું જીવન ફરી શરૂ નહીં કરી શકે. અમને લાગે છે કે દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલ વળતર તેમના માટે પૂરતું નથી. ખાને કહ્યું કે ટીમને ચાંદબાગ, જાફરાબાદ, બૃજપુરી, ગોકુલળપુરી, મુસ્તફાબાદ, શિવ વિહાર, યમુના વિહાર, ભજનપુરા, ખજૂરી ખાન વિસ્તાર સહિત અનેક રમખાણગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.