(એજન્સી) નવી દિલ્હી, તા.૬
ઉત્તર-પશ્ચિમી દિલ્હીમાં થયેલી હિંસા બાદ, હિંસાના પીડિતોને ઈદગાહની નજીક બનાવવામાં આવેલા રાહત કેમ્પમાં રાખવામાં આવ્યા છે. આ કેમ્પમાં રહેતા ૬ર વર્ષીય વૃદ્ધ અમીનખાન હિંસા શાંત થયા બાદ પોતાના ઘરે ગયા હતા કે જેથી તે જાણી શકે કે શું હવે તેઓ પરિવાર સાથે પોતાના ઘરે પરત ફરી શકે છે કે નહીં ? પરંતુ પોતાના ઘરની હાલત જોઈ પરત ફરેલા અમીનખાન ખૂબ જ તાણ અનુભવી રહ્યા હતા. ખાનના ર૮ વર્ષીય પુત્ર આસિફે કહ્યું કે, ત્યાંથી પરત ફર્યા બાદ તેમણે અમને કહ્યું કે આપણા ઘરને સળગાવી દેવામાં આવ્યું છે અને ઘરમાં રહેલા કિંમતી આભૂષણ અને બીજી વસ્તુઓને લૂંટી લેવામાં આવી છે. આટલું બોલતા જ તેઓ ભાંગી પડયા અને થોડીવાર પછી તેઓ બેભાન થઈને ઢળી પડયા. અમે તેમને લઈને મેહર ક્લિનિકમાં લઈ ગયા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરી દીધા. તબીબોએ જણાવ્યું કે, તેમને સ્ટ્રોક આવ્યો હતો. અમીનખાનના મૃત્યુ બાદ તેમની પત્ની, ૩ પુત્ર, એક પુત્રી અને સાત પૌત્ર-પૌત્રીઓ વિલાપ કરી રહ્યા છે. પિતાના મૃત્યુ બાદ ખાનના પુત્રએ કહ્યું કે, અમને યાદ છે કે, જે દિવસે હિંસા શરૂ થઈ હતી ત્યારે અમારો જીવ બચાવવા માટે અમે કેવી રીતે ભાગીને મારી બહેનના ઘરે આવ્યા હતા અને જ્યારે કેમ્પ ખોલવામાં આવ્યો ત્યારે અમે અહીંયા શિફટ થઈ ગયા.