(એજન્સી) નવી દિલ્હી તા.૪
દિલ્હી પોલીસે મંગળવારે ઉત્તર પૂર્વ દિલ્હી રમખાણોના કેસોમાં દાખલ કરેલી એક ચાર્જશીટમાં, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલીદને શહેરમાં વિરોધ પ્રદર્શન અને રમખાણો યોજવામાં મોટા જૂથનો ભાગ હોવાનો આરોપ લગાવ્યો હતો. ખાલિદે આ આરોપોને નકારી દીધા છે. તેમણે કહ્યું કે “આમાં જરાપણ સત્ય નથી”. રમખાણો માં ૫૩ જેટલા લોકો માર્યા ગયા અને ૪૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. સી.એ.એ ના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે થયેલ સંઘર્ષ પછી મોટા પાયે હિંસા ફાટી નીકળી હતી. કરકરડુમા અદાલતમાં દાખલ થયેલ ચાર્જશીટમાં ખાલિદનું નામ સામેલ છે. જેમાં પોલીસે રમખાણો માટે આમઆદમી પાર્ટી (આપ) ના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસેનને “મુખ્ય ભૂમિકા” ભજવનાર જણાવ્યું છે એક મીડિયા રિપોર્ટ અનુસાર, પોલીસ ની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે આઠમી જાન્યુઆરીએ, તોફાનોના એક મહિના પહેલા, હુસેન શાહીન બાગ-સીએએ વિરોધી વિરોધ પ્રદર્શનમાં યુનાઇટેડ અગેન્સ્ટ હેટના ઉમર ખાલીદ અને ખાલીદ સૈફીને મળ્યો હતો. વધુ માં કહેવાયું છે કે ઉમરએ તેમને કહ્યું હતું કે “ટ્રમ્પની મુલાકાત સમયે કંઈક મોટા તોફાનો માટે તૈયાર રહેવું”, અને “તે અને પીએફઆઈના અન્ય સભ્યો તેને (હુસેન) આર્થિક મદદ કરશે”. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચાર્જશીટ હુસેનની પોલીસ પૂછપરછ અને કોલ ડિટેઇલ રેકોર્ડ ના વિશ્લેષણ પર આધારિત છે. આ અંગે જવાબ આપતાં ખાલિદે કહ્યુંઃ “મેં ચાર્જશીટ વાંચી નથી. પરંતુ મીડિયામાં જે રજૂ થયું છે તેના આધારે જ કહી શકું કે અને જો તેણે આરોપો અંગેની સત્યતા જણાવી છે, તો હું ફક્ત એટલું જ કહી શકું કે આમાં તસુ માત્ર પણ સત્ય નથી. તેના વકીલ, ત્રિદીપ પાઈસે કહ્યું કે તેમણે હજી સુધી ચાર્જશીટ વાંચી નથી.