(એજન્સી) નવી દિલ્હી, તા.૧૨
રાષ્ટ્રીય લોકદળના ઉપાધ્યક્ષ જયંત ચૌધરીએ જણાવ્યું છે કે, દિલ્હી હિંસા પર લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહનો જવાબ સંતોષકારક નથી. પૂર્વ સાંસદ જયંત ચૌધરીએ ટિ્‌વટ કરી જણાવ્યું છે કે, યુપીથી રમખાણકારો આવવાની વાત કહીને ગૃહમંત્રી બચી શકતા નથી. ઉત્તરપ્રદેશમાં પણ ભાજપ સત્તામાં છે. આવામાં ત્યાંથી લોકો આવ્યા તો તેનો જવાબ પણ તેમણે જ આપવો પડશે. બુધવારે સદનમાં અમિત શાહના ભાષણ પછી જયંતે ટિ્‌વટ કરી લખ્યું કે, ગૃહમંત્રીનો જવાબ સંતોષકારક નથી. તેમણે આરોપ લગાવ્યો કે, ઉત્તરપ્રદેશથી મોટી સંખ્યામાં લોકો દિલ્હીમાં આવ્યા અને હિંસા કરી. યુપીમાં સત્તા કોની છે ? કઈ પાર્ટીના મુખ્યમંત્રી છે ? શું આ તમારી સરકારની ઈન્ટેલિજન્સીની નિષ્ફળતા નથી ? ઉલ્લેખનીય છે કે, ર૪, રપ અને ર૬ ફેબ્રુઆરીએ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસામાં અત્યાર સુધી પર લોકોનાં મોત થયા છે. હિંસામાં ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. દિલ્હીની હિંસા અંગે બુધવારે લોકસભામાં પણ ચર્ચા થઈ. આ દરમિયાન વિપક્ષે પોલીસ અને સરકારની કાર્યશૈલી પર ગંભીર પ્રશ્ન ઊભા કર્યા, ત્યાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે, ૩૦૦ રમખાણકારો ઉત્તરપ્રદેશથી આવ્યા હતા અને તેમણે રમખાણો કર્યા. શાહે જણાવ્યું કે, દિલ્હી પોલીસે અત્યાર સુધી ૭૦૦થી વધુ એફઆઈઆર દાખલ કરી છે. ર૬૪૭ લોકો કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. લોકો પાસેથી રમખાણો સાથે સંબંધિત ફૂટેજ માંગવામાં આવી રહી છે. જેથી તપાસ સારી રીતે કરી શકાય. ૧૧૦૦થી વધુ લોકોની ઓળખ કરવામાં આવી ચૂકી છે. ૩૦૦થી વધુ લોકો યુપીથી આવ્યા હતા. દિલ્હી પોલીસ પર હિંસાને ના રોકવા અંગે અનેક પ્રકારના આરોપ લાગી રહ્યા છે, ત્યાં અમિત શાહે પોલીસના કામની પ્રશંસા પણ કરી છે. અમિત શાહે લોકસભામાં દિલ્હી હિંસા પર બોલતા જણાવ્યું કે, પોલીસે હિંસાને સંપૂર્ણ દિલ્હીમાં ના ફેલાવાની જવાબદારી સારી રીતે ભજવી. દિલ્હી પોલીસની સૌપ્રથમ જવાબદારી હિંસા રોકવાની હતી. જેમાં તે સફળ રહી.