(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
ફિલ્મ અભિનેતા રજનીકાંતે દિલ્હીમાં થયેલી હિંસા અંગે કેન્દ્ર સરકારની નિંદા કરતા કહ્યું કે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ દેશની મુલાકાતે આવ્યા હતા, ત્યારે ગુપ્તચર વિભાગે સાવધાની રાખવી જોઈતી હતી કે જે આ હિંસાને રોકવામાં નિષ્ફળ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અભિનેતામાંથી નેતા બનેલા રજનીકાંતે કહ્યું કે, દિલ્હીના કેટલાક ભાગોમાં ભડકેલી હિંસા ગુપ્તચર વિભાગની હિંસાને કારણે થઈ છે. સાથે જ તેમણે તેમ પણ કહ્યું કે આ રમખાણોનો કડકાઈથી સામનો કરવો જોઈતો હતો. રજનીકાંતે તેમ પણ કહ્યું કે, ઉત્તર-પૂર્વીય દિલ્હીમાં સાંપ્રદાયિક હિંસાને અટકાવવામાં ગૃહ મંત્રાલય પણ નિષ્ફળ રહ્યું છે. રજનીકાંતનું નિવેદન સામે આવ્યાના થોડા સમય બાદ, તેમના સહયોગી કમલ હાસને પણ તેમને તેમના નિવેદનો માટે શુભેચ્છાઓ પાઠવી. તેમણે ટ્‌વીટમાં લખ્યું કે શાબાશ રજની. આ માર્ગ પર આપનું સ્વાગત છે. આ એક જુદો રસ્તો નથી. તમારૂં સ્વાગત છે અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા રજનીકાંતે કહ્યું કે, સત્તામાં રહેલા લોકોથી જો હિંસા અટકાવી શકાતી ન હોય તો તેમણે રાજીનામું આપીને ચાલ્યા જવું જોઈએ. જો કે તેમણે આ નિવેદનમાં કોઈનું નામ લીધું નથી. આ જ સંદર્ભમાં અમિત શાહે કહ્યું કે, ગુપ્તચર વિભાગે યોગ્ય રીતે કામ કરવું જોઈએ. હું તેમની પાસેથી સાવધાન રહેવાની અને હિંસા પર નિયંત્રણ મેળવવાની અપેક્ષા રાખું છું. જો આ ગુપ્તચર વિભાગની નિષ્ફળતા છે. તો તે ગૃહ મંત્રાલયની પણ નિષ્ફળતા છે. હું ચૂંટણીના લાભ માટે ધર્મનો ઉપયોગ કરનારાઓ અને રાજકીય દળોની નિંદા કરૂં છું.