(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
દિલ્હીમાં થયેલી હિંસા અને અન્ય મહત્વના મુદ્દાઓ પર વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી ૧૧મી માર્ચ સુધી સ્થગિત કરી દેવાઇ છે. ગૃહમાં મિનરલ કાયદા(સુધારા) અને દેવાળિયું તથા નાદારી કાયદો(બીજો સુધારો) બિલ પસાર કરાયા હતા. લોકસભામાં દિલ્હી હિંસા પર જલ્દી ચર્ચાની માંગને લઈને કોંગ્રેસ, ડીએમકે, સીપીઆઈ સહિત ઘણાં વિપક્ષી દળોના સભ્યોએ શુક્રવારે જ લોકસભામાં હોબાળો કર્યો. જેનાથી ગૃહની કાર્યવાહી શરૂ થવાની થોડા સમય બાદ બપોરે ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. ગૃહની કાર્યવાહી ફરી શરૂ થયા બાદ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ ગૃહને જણાવ્યું કે ૨ માર્ચથી ૫ માર્ચ સુધી ગૃહમાં ઘટિત તમામ ઘટનાની તપાસ માટે એક કમિટિ બનાવવામાં આવી છે. જેની અધ્યક્ષતા ખુદ સ્પીકર કરશે. કમિટિમાં દરેક દળોના પ્રતિનિધિ પણ સામેલ હશે. આ પહેલા રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ નેતાઓએ ગાંધીજીની પ્રતિમા સામે દેખાવ કર્યા હતા. ‘ગૃહ મંત્રી રાજીનામુ આપો’અને ‘દિલ્હીને ન્યાય આપો’ના નારા લગાવ્યા હતા.
બીજી બાજુ રાજ્યસભાને ૧૧ માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. દિલ્હીમાં હિંસાના મુદ્દે રાજ્યસભામાં સતત પાંચમાં દિવસે પણ કામકાજ અટકેલું રહ્યું. કોંગ્રેસ સહિત જુદાં જુદાં વિપક્ષીદળોના સભ્યોના હોબાળાના કારણે કાર્યવાહીને ૧૧ માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. કોંગ્રેસ, ડીએમકે, તૂણમૂલ, આપ, એસપી અને લેફ્ટ પાર્ટીઓના સભ્યોએ દિલ્હીમાં હિંસા પર હોબાળો શરૂ કરી દીધો. લોકસભામાં કોંગ્રેસ સાંસદ કાળી પટ્ટી બાંધીને પહોંચ્યા. રાહુલ ગાંધીની આગેવાનીમા સંસદ પરિસરમાં ગાંધીજીની પ્રતિમાં સામે પ્રદર્શન કર્યું. સંસદના બજેટ સત્રના બીજા ચરણની શરૂઆતથી જ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળ સદનમાં દિલ્હી હિંસાના મુદ્દે ચર્ચા શરૂ કરવાની માંગને લઈને હંગામો કરી રહ્યાં છે. લોકસભાની કાર્યવાહીનો પ્રારંભ થવાની સાથે ઘણાં વિપક્ષી દળોના સાંસદો નારેબાજી કરવા લાગ્યા. પોતાના સાત સભ્યોના સસ્પેન્શનના વિરોધમાં રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય સભ્યોએ હાથમાં કાળી પટ્ટી બાંધી રાખી હતી.

લોકસભામાંથી કોંગ્રેસના સાંસદોને સસ્પેન્ડ કરવાના
વિરોધ પ્રદર્શનની રાહુલ ગાંધીએ આગેવાની કરી

લોકસભામાંથી પાર્ટીના સાત સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શનની આગેવાની કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કરી હતી. કોંગ્રેસના સાંસદો દ્વારા પાંચમી માર્ચે સ્પીકરના ટેબલ પરથી પેપરો લઇને ફાડી નાખ્યા બાદ તેમને ગંભીર ગેરવર્તણૂંક અને અપમાન બદલ લોકસભાના બાકીના બજેટ સત્ર માટે સસ્પેન્ડ કરાયા હતા. હાથમાં કાળી પટ્ટી બાંધીને સસ્પેન્ડ કરાયેલા સાંસદ ગોગોઇ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરૂરે ગાંધીજીની પ્રતિમા આગળ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે, સૌથી જૂની પાર્ટીને ડરાવવા માટે ગૃહમાંથી સભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માગના સૂત્રોચ્ચારો વચ્ચે ગોગોઇએ કહ્યું કે, પણ અમે ડરવાના નથી. દિલ્હીમાં હિંસા અંગેની ચર્ચા કરવાની માગ કરવાથી અમે ડરીશું નહીં, અમે આ મુદ્દો સતત ઉઠાવીશું.