(એજન્સી) નવી દિલ્હી, તા.૪
દિલ્હીમાં સતત ચાર દિવસો સુધી યથાવત્ રહેલી હિંસાને કારણે સમગ્ર દિલ્હીમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ હિંસા દરમિયાન ૪૭ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે સમગ્ર વિશ્વના જુદા-જુદા શહેરોએ હિંસાનો ભોગ બનનારા લોકો અને પીડિતો પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરવા તેમજ વહીવટી તંત્રની નિષ્ફળતા સામે રોષ વ્યક્ત કરવા માટે એક સાથે જ વિરોધ પ્રદર્શનો કરવાનું શરૂ કરી દીધું છે. પિસા, મુનિચ, કોલોગ્ને, હમબર્ગ, ફ્રેન્કફૂર્ટ, ફિનલેન્ડ, ગ્લાસગો, પોલેન્ડ, બ્રુસ્સેલ્સ, હેલ્સિન્કી, નેધરલેન્ડ્સ, ડબલિન, સ્ટોકહોમ, બર્લિન, પેરિસ, જીનિવા, ન્યૂઝીલેન્ડ, લંડન અને કેનેડા સહિત વિશ્વના ૧૯ જેટલા સ્થળોએ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં ભાગ લેનારા ભારતીય સમુદાયના ૧પ૦૦ લોકોએ દિલ્હી હિંસા માટે જવાબદાર લોકો પર ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે. બર્લિનમાં પ્રદર્શનકારીઓએ ભારતીય દૂતાવાસ તરફ રેલી યોજી અને સૂત્રોચ્ચાર કર્યા. પ્રદર્શનકારીઓએ દિલ્હી હિંસાના પીડિતો માટે સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે દૂતાવાસની સામે ફૂલો પણ મૂકયા. બેલ્જિયમમાં ભારતીય સમુદાયના લોકોએ વાતાવરણ ખરાબ હોવા છતાં પણ પ્રદર્શન યોજ્યું, જ્યારે ગ્લાસગોમાં લોકોએ “હમ દેખેંગે” ગીત ગાયું. બીજી તરફ ક્રેકોમાં પ્રદર્શનકારીઓએ શોક વ્યક્ત કરવા કાળા કપડાં પહેર્યા અને એકતા દર્શાવવા માટે સૌને ચા વહેંચી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદર્શનના એક આયોજકે કહ્યું કે, “દિલ્હી હિંસાની નિર્દયતાએ તમામને હચમચાવી નાખ્યા છે. હવે સમય આવી ચૂકયો છે કે, આપણે નફરતની વિચારસરણીની વિરૂદ્ધમાં ઊભા રહીએ.”
દિલ્હી હિંસા મુદ્દે વિશ્વના ૧૯ શહેરોમાં પ્રદર્શન યોજાયું

Recent Comments