(એજન્સી) તા.૬
આગામી હોળીના એક દિવસ પછી ૧૧ માર્ચે હવે સંસદમાં દિલ્હી હિંસા મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મુદ્દે જવાબ પણ રજૂ કરશે. આવા સંવેદનશીલ મુદ્દે ગૃહમાં ચર્ચા કરાવવા વિપક્ષ દ્વારા કરાયેલી માંગને પગલે આ શક્ય થયું છે. સરકાર આ મામલે કહે છે કે, આ યોગ્ય સમય નથી. આ મુદ્દે ચર્ચા કરાવવાનો જ્યારે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ કહી ચૂક્યા છે કે, આ યોગ્ય સમય નથી.
જ્યારે દિલ્હીમાં હિંસાને મુદ્દે ચર્ચાને લઈને રાજ્યસભામાં કોંગ્રેસના હોબાળાને લીધે કાર્યવાહી સમગ્ર દિવસ માટે સ્થગિત કરવાની ફરજ પડી છે. રાજ્યસભામાં કોંગ્રેસ સહિતના વિપક્ષે ભારે હોબાળો કર્યો અને વેલમાં ધસી જવાને પગલે ઉપરાષ્ટ્રપતિ અને સ્પીકર વેંકૈયા નાયડૂએ ૧૧ માર્ચ સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી છે. આ અગાઉ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓએ ગાંધીજીની પ્રતિમા સામે કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ગૃહમંત્રી રાજીનામું આપે અને દિલ્હીને ન્યાય આપે તેવા સૂત્રો વિપક્ષે પોકાર્યા હતા. કોંગ્રેસ સહિત વિપક્ષે દિલ્હી હિંસા મુદ્દે ગૃહમાં ચર્ચાની માંગ કરી છે. કોંગ્રેસ સતત દિલ્હી હિંસા પર ચર્ચાની માંગ કરી રહ્યું છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ ૧૧ માર્ચના લોકસભા તેમજ ૧૨ માર્ચના રાજ્યસભામાં દિલ્હી હિંસા પર ચર્ચા કરવાની વાત કરી છે. માર્ચના પ્રારંભથી શરૂ થયેલા બજેટ સત્રમાં વિપક્ષના ભારે હોબાળાને પગલે ગૃહની કાર્યવાહી અવાર-નવાર ખોરવાઈ રહી છે.
શુક્રવારે કોંગ્રેસના ગુલામ નબી આઝાદ તેમજ સપાના રામગોપાલ યાદવે રાજ્યસભા અને કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ લોકસભા સ્થગિત રાખવાનો પ્રસ્તાવ આપ્યો હતો. બીજેડીએ માંગ કરી છે કે, ઓરિસ્સાના પૂર્વ મુખ્યમંત્રી બૂજી પટનાયનકને ભારત રત્ન આપવામાં આવે. આ માટે શૂન્યકાળમાં ચર્ચા કરવાનો પ્રસ્તાવ પણ રાખ્યો હતો. કોંગ્રેસ તેમજ વિપક્ષના હોબાળાને પગલે રાજ્યસભાની કાર્યવાહી દિવસ દરમિયાન સ્થગિત કરવાની સ્પીકરે જાહેરાત કરી હતી. હવે ૧૧ માર્ચના હોળી બાદ ગૃહની કાર્યવાહી શરૂ થશે.