(એજન્સી) કોલકાત્તા, તા.૨
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે સણસણતા આરોપ લગાવતા કહ્યું છે કે, દિલ્હીમાં થયેલા તોફાનો સંપૂર્ણ રીતે રાજ્ય પ્રેરિત નરસંહાર હતો. મમતા બેનરજીએ દિલ્હી હિંસા માટે અમિત શાહ અને કેન્દ્ર સરકારને ઘેરી છે. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસામાં અત્યાર સુધીમાં ૪૦ લોકોના મોત નિપજ્યા છે. મમતા બેનરજીએ આ આક્ષેપ પણ કર્યો હતો કે, ભાજપ દેશભરમાં રમખાણોનું “ગુજરાત મોડલ” લાગુ કરવા માંગે છે. આજે બીજા દિવસે મમતા બેનરજીએ અમિત શાહ પર નિશાન તાક્યું હતું. તેમણે અમિત શાહ અને કેન્દ્રની મોદી સરકાર પર દિલ્હીમાં ષડયંત્ર રચી રમખાણો કરાવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, દિલ્હીમાં થયેલા તોફાનો સંપૂર્ણ રીતે રાજ્ય પ્રેરિત નરસંહાર હતો. અગાઉ ટીએમસીના સાંસદ અભિષેક બેનરજીએ અમિત શાહ પર નિશાન તાકતા કહ્યું હતું કે, બંગાળ આવીને ઉપદેશ આપવાના બદલે અમિત શાહે દિલ્હી હિંસા પર સ્પષ્ટિકરણ આપવુ જોઈએ અને માફી માંગવી જોઈએ. તમારા નાક નીચે હિંસા થઈ અને ૫૦થી વધુ નિર્દોષ લોકોનાં મોત થયા.