(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્હીમાં થયેલ હિંસા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપો મૂકયા અને રાજધાનીમાં હિંસા રોકવામાં નિષ્ફળ રહેલ ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માંગ્યું. પક્ષની કાર્યકારિણીની મીટિંગ પછી પત્રકાર પરિષદમાં એમણે જણાવ્યું કે, હિંસા એક પૂર્વયોજિત કાવતરું છે. એ દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ દેખાયું હતું. ભાજપના નેતાઓએ નફરત ફેલાવનાર ભાષણો આપી વાતાવરણ દૂષિત કર્યું છે. ભાજપના એક નેતાએ રવિવારે ટિપ્પણી કરી જણાવ્યું હતુું કે, એમણે દિલ્હી પોલીસને ચેતવણી આપી હતી. સોનિયા ગાંધીએ ભાજપ નેતા કપિલ મિશ્રાનું નામ લીધું ન હતું જે હાલમાં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલ હિંસા માટે દોષી ઠરાવાઈ રહ્યા છે કારણ કે એમની ટિપ્પણી પછી કલાકોમાં જ હિંસા ફાટી નીકળી હતી.
સોનિયા ગાંધીએ કેન્દ્રને પાંચ પ્રશ્નો પૂછયા છે
૧. રવિવારથી ગૃહમંત્રી અમિત શાહ ક્યાં હતા અને શું કરતા હતા ?
ર. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ક્યાં હતા અને શું કરતા હતા ?
૩. વિધાનસભાની ચૂંટણીઓ પછી ગુપ્તચર અધિકારીઓએ કઈ માહિતી સરકારને આપી હતી ?
૪. તોફાનગ્રસ્ત વિસ્તારોમાં જ્યારે પરિસ્થિતિ બગડી રહી હતી ત્યારે ત્યાં કેટલા પોલીસો મૂકાયા હતા ?
પ. જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી ત્યારે અર્ધલશ્કરી દળો કેમ બોલાવવામાં આવ્યા ન હતા ?
રાજ્યમાં બન્ને સરકારોની સામૂહિક નિષ્ફળતા છે જેના લીધે દિલ્હીમાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે. કોંગ્રેસની કાર્યકારિણીએ ઠરાવ પસાર કર્યો હતો જે સોનિયા ગાંધી વાંચી રહ્યા હતા. આ મીટિંગમાં મનમોહનસિંહ, એ.કે.એન્ટોની, ગુલામનબી આઝાદ, પ્રિયંકા ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને અન્ય નેતાઓ હાજર હતા. રાહુલ ગાંધી વિદેશ ગયેલ હોવાથી એ હાજર ન હતા. ઠરાવમાં દિલ્હીની પરિસ્થિતિ અતિ ગંભીર જણાવી હતી જેના માટે તાત્કાલિક પગલાં લેવાની માગણી કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રીને અસરગ્રસ્ત વિસ્તારોમાં હાજર રહેવા કહ્યું હતું જેથી એ લોકો સાથે સંપર્કમાં રહે. પરિસ્થિતિ સાચવવા પૂરતા પ્રમાણમાં પોલીસ ફોર્સ મૂકવામાં આવે. બધી કોમોના પ્રતિનિધિઓને સાથે રાખી શાંતિ સમિતિઓ બનાવવામાં આવે. વિપક્ષે દિલ્હીના લોકોને વિનંતી કરી કે એ નફરતના રાજકારણને જાકારો આપે. કોંગ્રેસે પોતાના નેતાઓ અને કાર્યકર્તાઓને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા જણાવ્યું છે.