(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૭
દિલ્હી હાઈકોર્ટની બેંચના મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ અને જજ સી.હરીશંકરની બેંચે આજે અરજદાર હર્ષમંદર દ્વારા દાખલ કરાયેલ અરજીની સુનાવણી ૧૩મી એપ્રિલ સુધી મોકૂફ રાખી હતી. અરજદારે માગણી કરી હતી કે દિલ્હી રમખાણોની ન્યાયિક તપાસ કરવામાં આવે અને જે રાજકારણીઓએ નફરત ફેલાવનારા ભાષણો આપ્યા હતા. એમની સામે એફઆઈઆર નોંધવામાં આવે. આ સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, એફઆઈઆર નોંધવા માટે હાલ પરિસ્થિતિ અનુકૂળ નથી. કોર્ટે આના માટે વધુ સમય આપવો જોઈએ. જેથી કોર્ટે એમની વિનંતી માન્ય રાખી ૪ અઠવાડિયાનો સમય આપ્યો. એટર્નીએ હાલમાં દિલ્હી પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવાના નિર્ણયને મોકૂફ રાખવા સંદર્ભે સોગંદનામું દાખલ કર્યું. કોર્ટને જણાવાયું કે હજુ સુધી ૪૮ એફઆઈઆર દાખલ કરાઈ છે જે મિલકતને નુકસાન પહોંચાડવા, હુમલા કરવા અંગેની છે. એટર્નીએ જણાવ્યું કે, પોલીસે બધા વીડિયો જોયા નથી. બધા વીડિયોનું અભ્યાસ કરવા વધુ સમયની જરૂર છે. મહેતાએ કહ્યું કે અરજદારે માત્ર ભાજપના નેતાઓના ઉશ્કેરણીજનક ભાષણો જ ધ્યાનમાં લીધા છે પણ એવા ઘણા બધા નેતાઓ છે જેમણે આવા નફરત ફેલાવનારા ભાષણો આપ્યા છે. અરજદાર તરફે રજૂઆત કરતા વકીલ કોલિન ગોંસાલ્વેએ જણાવ્યું કે, નફરત ફેલાવનાર નેતાઓ વિરૂદ્ધ ફકત એના માટે જ એફઆઈઆર નહીં નોંધવામાં આવે પણ એમની સામે હત્યાના આરોપો પણ મૂકવા જોઈએ કારણ કે એમના દ્વારા ઉશ્કેરણી કરાતા તોફાનો થયા છે અને ૩પ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. જે હત્યાઓ માટે પણ તેઓ જ જવાબદાર છે.
આ લોકો ખૂબ જ ઉચ્ચ હોદ્દાઓ ધરાવે છે જેથી એમના ભાષણોની અસર વધુ થાય છે. લોયર્સ વોઈસ તરફે રજૂઆત કરતાં વકીલ ચેતન શર્માએ નફરત ફેલાવનાર ભાષણો સંદર્ભે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અસદુદ્દીન ઓવૈસી અને અન્યો સામે પણ એફઆઈઆર નોંધવા માગણી કરી હતી. એમણે કહ્યું કે, આ હિંસા પૂર્વ આયોજિત હતી. એમણે પ્રશ્ન કર્યો કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત સમયે જ કેમ હિંસા થઈ ? કોણે લોકોને ભડકાવવા કે શેરીઓમાં ઉતરી આવે ? એવા લોકોની ધરપકડ કરવી જોઈએ.